Patan news: રાધનપુર-સાંતલપુર તાલુકામાં પીવાનું ગંદુ પાણી આવતા રોગચાળો ફેલાવાની ભીતિ

Patan news: રાધનપુર અને સાંતલપુર તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને ડહોળું પાણી આવતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ આ અંગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેથી લોકો બજારમાં વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને ડહોળું પાણી આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ગંદુ પાણી પીવાથી લોકોમાં પેટના રોગો, તાવ સહિત પાણીજન્ય રોગો ફેલાવાનું જોખમ વધ્યું છે. રાધનપુરના બાદલપુરા, કલ્યાણપુરા સહિતના અનેક ગામોમાં દુષિત પાણી આવતા ગ્રામજનોએ પંચાયતના સરપંચો સહિતના લાગતા વળગતા તંત્રને રજૂઆત કરી છે, પણ આ સમસ્યાનું નિરાકરણ ન આવતા રાધનપુર નાયબ કાર્યપાલક ઈજનેર અને પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા સ્થાનિકોની ઉગ્ર માંગ છે.

