VIDEO: પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી લોકોએ આપી તાલિબાની સજા, વીડિયો વાઈરલ થતા 10ની અટકાયત
પંચમહાલના શહેરામાં તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. જેમાં દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખસોએ 2 યુવકોને તાલિબાની સજા આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા શહેરા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે 10 શખસોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, શહેરા તાલુકાના તાડવા ગામ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ સંબંધના કારણે બે યુવકોને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર શહેરાના મીઠાપુર ગામના રયજી નાયક અને પિન્ટુ નાયક તાડવા ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતાં.
બંને યુવકો પોતાની પ્રેમિકા સાથે ભાગીને મહેમદાવાદ જતા રહ્યા હતાં
આ પ્રેમ સંબંધને આગળ વધારવા આ બંને યુવકો પોતાની પ્રેમિકા સાથે ભાગીને મહેમદાવાદ જતા રહ્યા હતાં. જો કે, યુવતીના સંબધીઓેને આ વિશે જાણ થઈ ગઈ હતી. યુવતીના સંબંધી અર્જુન નાયક, ઈશ્વર નાયક અને મહેશ નાયક ભેગા મળીને ચારેયને મહેમદાબાદથી જબરદસ્તી ઉપાડીને પાછા ગામડે લઈ આવ્યા હતાં.
વાયરલ વીડિયો મામલે શહેરા પોલીસ મથકના પીઆઈ એસ.એલ.કામોળ અને શહેરા પોલીસના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ વીડિયો શહેરા તાલુકાના તાડવા ગામનો હોવાનું બહાર આવ્યું હતું,ત્યારબાદ સમગ્ર વાયરલ વીડિયોની તપાસ કરાતા વીડિયોમાં દેખાતા બે યુવકો શહેરા તાલુકાના મીઠાપુર ગામના હોવાનું અને આ બંને યુવકોના વીડિયોમાં દેખાતી બે યુવતીઓ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેઓ ઘરેથી ભાગી જઈને ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે મજૂરી કામે જતા રહ્યા હતા.
શહેરા તાલુકાના તાડવા ગામના અર્જુન ગોરાભાઈ નાયક,મીઠાપુરના મહેશ દેવાભાઈ નાયક અને ગોધરાના દરૂણીયાના ઈશ્વર છગનભાઈ નાયક સહિત યુવતીઓના સગાસંબંધીઓ મહેમદાવાદ ગયા હતા, મહેમદાવાદ પહોંચીને બંને યુવકો અને યુવતીઓને બળજબરીથી કારમાં બેસાડી તાડવા ગામે લાવ્યા હતા. ત્યાર બાદ બંને યુવકોને દોરડા વડે ઝાડ સાથે બાંધી અપશબ્દો બોલી ગડદાપાટુનો તેમજ દંડાથી મારમારી તાલિબાની સજા આપી વીડિયો બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું,
શહેરા પોલીસે ગણતરીના કલાકોમાં જ વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી યુવકોને મારમારી કાયદો હાથમાં લઈ તાલિબાની સજા આપનાર અને આ સમગ્ર બનાવમાં સંડોવાયેલા ૧૦ જેટલા ઈસમોને ઝડપી પાડી આ બનાવમાં કામે લેવાયેલી કારને પણ કબ્જે કરવામાં આવી હતી. તમામ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.જોકે યુવકોને તાલિબાની સજા અપાતો હોવાનો વીડિયો વાયરલ થતાં શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

