VIDEO: પંચમહાલમાં કોંગ્રેસના 'પંજા'ને મોટો ફટકો! 50 વર્ષનો સંબંધ તોડી જિલ્લા પ્રમુખ ચેતનસિંહ ભાજપના શરણે
VIDEO: પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખનારા મજબૂત સ્તંભ ગણાતા ચેતનસિંહ પરમારે આજે કેસરીયો ધારણ કરી લીધો છે. ઘોઘંબા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા પ્રમુખનું જ રાજીનામું કોંગ્રેસ માટે અત્યંત આઘાતજનક સાબિત થયું છે.
પરિવારનો 5 દાયકાનો સાથ છૂટ્યો
વ્યવસાયે વકીલ એવા ચેતનસિંહ પરમાર માત્ર પક્ષના નેતા નથી, પરંતુ પંચમહાલમાં કોંગ્રેસનો ચહેરો ગણાતા હતા. તેમના પિતા લક્ષ્મણસિંહ પરમાર કોંગ્રેસની ટિકિટ પર બે ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આમ, છેલ્લા 50 વર્ષથી જે પરિવાર કોંગ્રેસના મૂળિયાં સીંચતું હતું, તેણે આજે અચાનક પક્ષ પલટો કરી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
સોશિયલ મીડિયા પર રાજીનામું વાયરલ
ચેતનસિંહે રાજીનામું આપતા પહેલા સોશિયલ મીડિયા પર તેને વાયરલ કર્યું હતું. ત્યારબાદ પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપના શરણે ગયા હતા. છેલ્લી બે ટર્મથી તેઓ જિલ્લા પ્રમુખ તરીકે સક્રિય હતા, એટલે કે સંગઠન પર તેમની પકડ ખૂબ મજબૂત છે. તેમના ભાજપમાં જવાથી આગામી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભાજપનું 'ઓપરેશન પંચમહાલ' સફળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. રાજકીય વિશ્લેષકો માને છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 'ડૅમેજ કંટ્રોલ' અને 'વિસ્તરણ' અભિયાનના ભાગરૂપે આ એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

