Panchmahal News: ગોધરામાં લોન્ચ થયો ખાસ પ્રોજેક્ટ, હવે નાગરિકોને માત્ર 1 રૂપિયામાં મળશે 500 મિલીલીટર આલ્કલાઇન પાણી
ગોધરા શહેરના નાગરિકોને તેમજ શહેરમાં આવતાં–જતાં રાહદારીઓને સરળતાથી, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગોધરા નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝ, નાસિકના સંયુક્ત ઉપક્રમે ભારતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટ ગોધરા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. આ અનોખા અને લોકહિતલક્ષી પ્રોજેક્ટનું આજે ગોધરા શહેરના અટલ ઉદ્યાન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યના હસ્તે સમગ્ર પ્રોજેક્ટનું ઔપચારિક રીતે લોન્ચિંગ
આ પ્રસંગે ગોધરા શહેરના ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા, તેમના હસ્તે સમગ્ર પ્રોજેક્ટનું ઔપચારિક રીતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત ગોધરા શહેરના કુલ 6 જેટલા વિવિધ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આલ્કલાઇન વોટર એટીએમ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી શહેરના નાગરિકોને સરળતાથી પીવાનું શુદ્ધ આલ્કલાઇન પાણી મળી રહે.
પ્રોજેક્ટની વિશેષતા
આ વોટર એટીએમ દ્વારા નાગરિકોને માત્ર 1 રૂપિયામાં 500 મિલીલીટર આલ્કલાઇન પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સામાન્ય જનતા માટે અત્યંત સસ્તું અને આરોગ્યપ્રદ વિકલ્પ સાબિત થશે. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં બે ખાસ વાહનો દ્વારા ડોર ટુ ડોર આલ્કલાઇન પાણી વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં માત્ર રૂ. 25માં 20 લીટર આલ્કલાઇન પાણી ઘરઆંગણે પહોંચાડવામાં આવશે.
આલ્કલાઇન પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયી
ઉલ્લેખનીય છે કે, આલ્કલાઇન પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે અને અનેક રોગોથી બચાવમાં મદદરૂપ થાય છે. તે શરીરની એસિડિટીને સંતુલિત રાખવામાં, પાચન સુધારવામાં તથા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી હોવાનું માનવામાં આવે છે. ગોધરા શહેરમાં લોન્ચ કરાયેલો આ પ્રોજેક્ટ સમગ્ર ભારત માટે એક આગવો અને માર્ગદર્શક પ્રયાસ બની રહ્યો છે, કારણ કે જાહેર સ્તરે આલ્કલાઇન પાણીનું વિતરણ કરતો આ દેશનો સૌપ્રથમ પ્રોજેક્ટ છે.
અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બનશે
ગોધરા નગરપાલિકાનો આ પ્રયાસ અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓ, પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલને આવકાર્યો હતો.

