Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : In the name of private ownership of government lands in Ghoghamba

Panchmahal news: ઘોઘંબાની સરકારી જમીનો ખાનગી માલિકીના નામે, તંંત્ર પોતાની મિલકતની જાળવણીમાં ઊણું ઉતર્યું

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahal news: ઘોઘંબાની સરકારી જમીનો ખાનગી માલિકીના નામે, તંંત્ર પોતાની મિલકતની જાળવણીમાં ઊણું ઉતર્યું
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં સરકારી જમીનો અને સરકારી ભવનો ખાનગી માલિકીના નામ ઉપર ચઢાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. સરકારી શાળા, માર્ગ અને મકાન વિભાગનું મકાન, નદી ઉપરનો પુલ, ખુલ્લી સરકારી પડતર જમીનોના માલિક ખાનગી વ્યક્તિઓને બનાવી દેવામાં આવ્યા હોવા છતાં આ મામલે હજુ સુધી જિલ્લા વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળે છે.

App Store

પચાસ વર્ષથી ચાલતી સરકારી શાળાની જમીનને ખાનગી માલિકીની બનાવી દીધી 

આઠ વર્ષ પહેલા ઘોઘંબાને સીટી સર્વેમાં સમાવવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. જેનું કામ એક એજન્સીને સોંપવામાં આવ્યું હતું. તાલુકા હેડ ક્વાટરને સીટી સર્વેમાં સમાવવાના આયોજન સાથે ઘોઘંબા ખાતેથી પાઇલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો અને સરપંચ જણાવે છે કે એજન્સીએ ઘોઘંબામાં આવીને ક્યારેય ફિઝિકલ સર્વે કર્યો જ નથી. સર્વે ક્યારે થયો તે સમગ્ર વિસ્તારના કોઈપણ વ્યક્તિને ખબર નથી.

સર્વે કરનાર એજન્સીએ સેટેલાઇટ સર્વેના આધારે પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રીઓ પડી દીધી છે. જેમાં ગંભીર છબરડાઓ છે. ઘોઘંબા ખાતે પચાસ વર્ષથી ચાલતી સરકારી શાળાની જમીનને ખાનગી માલિકીની બનાવી દીધી છે.  ઘોઘંબામાં જાહેર બાંધકામ વિભાગનું મકાન આવેલું છે. તેને પણ ખાનગી માલિકીનું બનાવી દેવાયું છે. કરાડ નદી ઉપરથી પસાર થવા સરકારે બનાવેલો પુલ હવે ખાનગી માલિકીનો બની ગયો છે.

પંચમહાલનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં 

સર્વેમાં એજન્સીએ કરેલી આ ગંભીર ભૂલો વિશે દોઢ વર્ષ પહેલા લોકોને ખબર પડતા સરપંચ તેમજ લોકોએ મહેસુલ વિભાગમાં તેમજ કલેક્ટરને આ ગંભીર છબરડાની જાણ કરી હતી. છતાં જવાબદાર અધિકારીઓ અને સરકારી વિભાગે તેને ગંભીરતાથી લીધું નથી. છેલ્લા દોઢ વર્ષમાં અનેકવાર આ મામલે લેખિત અને રૂબરૂ ફરિયાદો કરવામાં આવી છે. છતાં આટલી મોટી ભૂલ માટે સરકારી અધિકારીઓ સતત બેદરકારી દાખવી રહ્યા છે. કેટલીક ખાનગી માલિકીની સંપત્તિમાં માલિકોને બદલી નાખવામાં આવ્યા છે. તો ક્યાંક સંયુક્ત માલિકીની સંપત્તિમાં કોઈને જાણ કર્યા વગર વારસદારોના નામ કંઈ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે પરિવારોમાં સંપત્તિના વિવાદો પણ ઉભા થયા છે.

પોતાની સંપત્તિમાં થયેલી ખોટી નોંધને સુધારવા જતા લોકો પાસેથી પણ વ્યવહારની અપેક્ષા રાખવામાં આવતી હોવાની ફરિયાદો પણ લોકો કરી રહ્યા હોવાનું સાંભળવા મળી રહ્યું છે. આવી ગંભીર ભૂલ બાબતે ઘોઘંબા સરપંચ તેમજ લોકો દ્વારા સતત ધ્યાન દોરવા છતાં પંચમહાલનું વહીવટી તંત્ર કુમ્ભકર્ણની નિંદ્રામાં છે. જે ક્યારે જાગશે અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવશે તેવા પ્રશ્નો સર્જાયા છે.