VIDEO: Panchmahalના ઘોઘંબામાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ, 25 લોકો હોસ્પિટલમાં દાખલ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં બુધવારે (10 સપ્ટેમ્બર) અચાનક ગેસ લીકેજની ઘટના બની, જેના કારણે ફેક્ટરી અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં 25 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પોલીસે તાત્કાલિક કરી કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સૌ પ્રથમ, ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ ગેસ લીકેજની ઘટનામાં અત્યાર સુધી 25 જેટલો લોકો અસરગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સિવાય જે લોકો વધુ ઈજાગ્રસ્ત થયા છે, તેમને વડોદરા હોસપ્ટિલ ખાતે મોકલવામાં આવી રહ્યા છે.
ગેસ લીકેજને કાબૂમાં લેવાના પ્રયાસ
હાલમાં, ગેસ લીકેજને કારણે ફેક્ટરીની અંદર પ્રવેશવું શક્ય ન હોવાથી પરિસ્થિતિની ચોક્કસ વિગતો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમ છતાં, તંત્ર દ્વારા ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો ચાલુ છે.
પોલીસ સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. તંત્ર દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

