Navsari news: પ્રસુતિ બાદ ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યું, ન્યાય અપાવવા પરિજનોનું કલેક્ટરને આવેદન

નવસારી શહેરમાં એરૂ વિસ્તારમાં આવેલી હોસ્પિટલના ડોક્ટર સામે ગંભીર બેદરકારીની ફરિયાદ ઉઠી છે. પરણીતાનું પ્રસુતિ દરમિયાન મોત થતા પરિવારે ડોક્ટર ઉપર ગંભીર આક્ષેપ કરી તેમના વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરતું આવેદન આજે જિલ્લા કલેકટરને આપ્યું છે.
ડિલિવરી બાદ પ્રસૂતાને દુખાવો થયો હતો
જાહન્વી ટંડેલ નામની પ્રસૂતા મહિલાએ ડૉ. વૈભવીબેન પટેલને ત્યાં સારવાર શરૂ કરી હતી. નવમા માસ સુધી માતા અને બાળકની તબિયત સારી હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. તા. 28/10/2025ના રોજ સાંજે 7:00 વાગ્યે જાહન્વીબેનને વરદાન હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર દ્વારા વેક્યુમ ડિલિવરી કરાવ્યા બાદ રાત્રે 8:10 કલાકે બાળકે જન્મ આપ્યો હતો. જોકે, ડિલિવરી બાદ જાહન્વીબેનને અતિશય નબળાઈ અને દુખાવો ચાલુ રહ્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે રાત્રે 1:45 કલાકે ડૉક્ટર નીકળી ગયા બાદ પણ આખી રાત પત્નીને દુખાવો ચાલુ રહ્યો હતો અને યોગ્ય મોનિટરિંગ કરવામાં આવ્યું ન હતું.
ગંભીર બેદરકારીની નિષ્પક્ષ તપાસ કરવા કલેકટર સમક્ષ માંગ
ફરિયાદી જીગરભાઈ ટીલનો ગંભીર આક્ષેપ છે કે ડિલિવરી પછીના 22 થી 24 કલાક દરમિયાન જે પ્રકારનું સઘન મોનિટરિંગ થવું જોઈએ, તે ડૉ. વૈભવીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું નહોતું, જેના કારણે તેમની પત્નીએ જીવ ગુમાવ્યો છે.આ બનાવ બાદ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં મોકલાયો હતો. જોકે, ફરિયાદીનો દાવો છે કે, પેનલ પોસ્ટમોર્ટમ મોડું શરૂ થયું હતું અને સૌથી અગત્યનો પુરાવો એવું કાઢી નાખેલું ગર્ભાશય પેનલ પોસ્ટમોર્ટમ માટે ઉપલબ્ધ કરાવાયું નહોતું. પોલીસ અધિકારીઓ (PSI ડી.એન. ચૌધરી અને PI નિલેશ રાઠોડ) દ્વારા પણ આ પુરાવો લાવવામાં સહકાર ન મળ્યાનો આરોપ છે. ફરિયાદીએ હવે ગર્ભાશયનું યોગ્ય પોસ્ટમોર્ટમ થાય તેમજ સારવાર દરમિયાન થયેલી ગંભીર બેદરકારીની નિષ્પક્ષ તપાસ થાય તેવી ઉગ્ર કલેક્ટરને આવેદન આપી માંગણી કરી છે.

