Navsari news: સીણધઈ ગામમાં તોફાની વાવાઝોડાથી 150 પરિવારો થયા બેઘર, સાંસદે સરકારને કરી આ માંગ

નવસારીમાં ગત શનિવારે આવેલા તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓમાં ભારે નુકશાન થયું છે. વાવાઝોડામાં 150 ઘરોના પતરા, નળિયા ઉડી ગયા હતા અને કેટલાક ઘરોની દીવાલો પણ જમીનદોસ્ત થઈ ગઇ હતી. જેને કારણે ગરીબ આદિવાસીઓને ખુલ્લા આકાશ વચ્ચે રહેવાની નોબત આવી હતી. વાવાઝોડા બાદથી તંત્ર દ્વારા સર્વે કરવાં સાથે લોકોને સહાય મળે અને નવા વીજ થાંભલા ઊભા કરી, વીજ પૂરવઠો શરૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
અસરગ્રસ્ત પરિવારોને અનાજ કિટનું વિતરણ
વલસાડના સાંસદ ધવલ પટેલે પણ અસરગ્રસ્તોને મદદ મળી રહે એવા પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં પ્રથમ તબક્કે લોકોને તાડપત્રી, પ્લાસ્ટિક તેમજ ભોજનની વ્યવસ્થા કરી હતી. જ્યારે આજે ભાજપના કાર્યકરો સાથે 700 નંગ પતરા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ બનાવી અસરગ્રસ્ત પરિવારોને વિતરણ કરી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને જરૂર જણાય એ તમામ મદદ કરવા તૈયારી દર્શાવી હતી. સાંસદ ધવલ પટેલે રાજ્યના મુખ્યમંત્રી, નાણાં મંત્રી અને કૃષિ મંત્રીને પણ પત્ર લખીને વહેલામાં વહેલી સહાય મળે એવી માંગ કરી છે.

