આપ ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, સજા પર સ્ટે મૂકવાની અને જામીન અરજી ફગાવી

વન વિભાગના કર્મચારી પર હુમલો કરવા તથા સરકારી કામગીરીમાં અડચણ પેદા કરવાના આરોપમાં દોષિત ઠરેલા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે.વન વિભાગના કર્મચારી પર હુમલો અને ખંડણી વસૂલવાના ચર્ચિત કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાની સજા પર સ્ટે મૂકવાની તથા જામીન આપવાની અરજી ફગાવી દીધી છે. હાઇકોર્ટે રાજપીપળા સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખતાં સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે, ચૈતર વસાવાને આવી ગંભીર બાબતમાં રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે. હાઇકોર્ટના આ કડક નિર્ણય બાદ હવે તેમનું ધારાસભ્ય પદ પણ રદ થવાના આરે પહોંચી ગયું છે.
શું હતો સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદની શરૂઆત ઓક્ટોબર-નવેમ્બર 2023 દરમિયાન થઈ હતી. નર્મદા જિલ્લાના બોગાજ ગામ નજીક વન વિભાગની સરકારી જમીન પર સ્થાનિક લોકો દ્વારા કરાયેલું ગેરકાયદેસર અતિક્રમણ અને પાક વનકર્મીઓએ હટાવી દીધો હતો. આ જમીન વિવાદ અંગે ચર્ચા કરવાના બહાને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને દેડિયાપાડા ખાતે પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા.
વન વિભાગની ફરિયાદ અનુસાર, વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવા તથા તેમના સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, સરકારી કર્મચારીઓને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ સરેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી ખંડણીની માગણી પણ કરાઈ હતી. આ ઘટના બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા અને તેમના સાથીઓ સામે રાયોટિંગ, આર્મ્સ એક્ટ અને ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સેશન્સ કોર્ટે ફટકારી હતી 7 વર્ષની સજા
આ કેસમાં 23 જૂન 2026ના રોજ નર્મદા જિલ્લાની રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત એકંદરે 9 આરોપીઓને દોષિત જાહેર કરીને 7 વર્ષની સખત કેદની સજા અને રૂ. 25000 થી રૂ. 96000 સુધીનો દંડ ફટકાર્યો હતો. આ સજા સામે સ્ટે મેળવવા માટે ચૈતર વસાવાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ હાઇકોર્ટે પણ નીચલી કોર્ટનો ચુકાદો બહાલ રાખ્યો છે.
ધારાસભ્ય પદ ગુમાવવાનો ભય અને સુપ્રીમ કોર્ટની આશા
લોકપ્રતિનિધિત્વ કાયદા મુજબ, જો કોઈ બેઠેલા સભ્ય કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુ વર્ષની જેલની સજા થાય, તો તેમનું ધારાસભ્ય પદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે અને તેઓ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતા નથી. હાઇકોર્ટે સજા પર સ્ટે આપવાની ના પાડી દેતાં હવે ચૈતર વસાવાનું દેડિયાપાડાથી ધારાસભ્ય પદ જવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. હવે તેમની પાસે જેલવાસ અને પદ બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા સિવાય અન્ય કોઈ રસ્તો બચ્યો નથી.

