VIDEO: Narmada ડેમની સપાટીમાં વધારો થતાં 5 ગેટ ખોલાયા, નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ
સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાણીની સપાટીમાં નોંધપાત્ર – 3 મીટરનો – વધારો નોંધાયો છે. જેના કારણે આજે સવારે 11:30 કલાકે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા હતા.હાલ ડેમની સપાટી 131 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી હજુ પણ 4,23,270 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના પગલે આગામી સમયમાં વધુ 3-4 ગેટ ખોલવાની સંભાવના છે. નર્મદા તંત્ર દ્વારા પાણીની આવક પ્રમાણે દરવાજા ખોલવાના કે બંધ કરવાના નિર્ણય લેવામાં આવશે.
1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી
આ ઉપરાંત રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમતી થઇ ગઈ છે અને તેમાંમાંથી 43,755 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવરહાઉસમાંથી પણ 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કુલ મળીને નર્મદા નદીમાં લગભગ 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દૃશ્ય જોવા માટે હજારો પ્રવાસીઓ નર્મદા ડેમના વિહંગમ દ્રશ્યો નિહાળવા ઉમટી રહ્યા છે અને મનમોહક પ્રવાહને નિહાળી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે.
બે કાંઠે વહેતી થઈ નદી
જોકે, તંત્રએ ગંભીરતાથી ચેતવણી આપી છે – નર્મદા નદીમાં પાણીના વેગમાં વધી જતાં નદી બે કાંઠે વહેતી થઈ છે, જેથી ભરૂચ, વડોદરા અને આસપાસના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા, ભરૂચ અને વડોદરા પોલીસ તંત્ર દ્વારા નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં લોકો ન જાય તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તાકીદની સુચનાઓ આપવામાં આવી છે.

