VIDEO: મોરબી ખેડૂત મહાસભામાં રાકેશ ટિકૈતનું મોટું નિવેદન: "લાઠીચાર્જ થશે તો દેશભરમાં પોલીસ મથકો બંધ કરાવીશું!
મોરબીમાં વીજલાઈન વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સરકાર સામે ભારે આક્રમક વલણ અપનાવ્યું હતું. રાકેશ ટિકૈતે સરકારને ખુલ્લી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો મોરબીમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તે જ દિવસે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મુઝફ્ફરનગરમાં પોલીસ મથકો બંધ કરાવીને આંદોલનને દેશવ્યાપી બનાવાશે. તેમણે વન નેશન, વન ઇલેક્શનની તર્જ પર દેશમાં વન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારીને મોરબીના ખેડૂતોની લડાઈને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. બીજી તરફ, સભાના આયોજક મનોજ પનારાએ જણાવ્યું હતું કે બહારના ખેડૂતોના સમર્થન સાથે આ આંદોલન સંપૂર્ણપણે ગાંધી ચિંધ્યા માર્ગે જ આગળ વધશે અને ખેડૂતો ક્યારેય ઉગ્ર બનશે નહીં. ટિકૈતના આ સનસનાટીભર્યા નિવેદન બાદ મોરબીથી લઈને દેશભરના રાજકારણમાં અને કિસાન વર્ગમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

