VIDEO: મોઢેરા બસ પોર્ટ પાસે યુવકની ઘાતકી હત્યા, ઉગ્ર બોલાચાલી બાદ ખેલાયો ખૂની ખેલ
મહેસાણાના મોઢેરા એસટી બસ પોર્ટ બહાર ઇકો કારમાં પેસેન્જર બેસાડવાના મામલે બે જૂથના ડ્રાઇવરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો. બંને પક્ષના ઈસમોએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે.
આ હુમલામાં સાબિરહુસેન નામના ઈસમને છરીના ઘા વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સામસામે થયેલા હુમલામાં અન્ય બે ઈસમો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં માજીદ નામના ઈસમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં બંને પક્ષના લોકોના ટોળેટોળા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે મહેસાણા B ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

