VIDEO/ કડીમાં ભાજપનો કેસરીયો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધ પક્ષના સૂપડા સાફ, નીતિન પટેલે માન્યો આભાર
મહેસાણા: મહેસાણા જિલ્લાના કડી પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. ભાજપે વિરોધ પક્ષના સૂપડા સાફ કરતા કડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર ભવ્ય પ્રભુત્વ જમાવ્યું છે. કડી તાલુકા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 24 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવી સ્પષ્ટ બહુમતી મેળવી છે. આ સાથે જ કડી પંથક હેઠળ આવતી મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે.
કોંગ્રેસના ગઢમાં ગાબડું
આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર પરિણામ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના વતન ઝાલસોડામાં જોવા મળ્યું છે. કોંગ્રેસના આ મજબૂત ગઢમાં પણ ભાજપે બાજી મારી છે. બીજી તરફ, કડી તાલુકાની બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની સ્થિતિ એટલી ખરાબ રહી કે તેમની ડિપોઝીટ પણ ડૂલ થઈ છે.
નગરપાલિકામાં બિનહરીફ પ્રભુત્વ
ઉલ્લેખનીય છે કે, કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે અગાઉથી જ તમામ 28 બેઠકો બિનહરીફ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આમ, કડી શહેર અને તાલુકા બંને સ્તરે ભાજપનું એકચક્રી શાસન સ્થપાયું છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
આ ઐતિહાસિક વિજય બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જનતાએ વિકાસના કાર્યો અને ભાજપની નીતિઓ પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે, જેનું પરિણામ આજે ઐતિહાસિક જીત સ્વરૂપે જોવા મળ્યું છે.

