Rajkot Loksabha Seat: એક સમયે કોંગ્રેસનો કિલ્લો કેવી રીતે બન્યો ભાજપનો ગઢ? આ સમાજના મત નિર્ણાયક ભૂમિકામાં

લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ગુજરાતમાં એક જ તબક્કામાં 7 મેએ મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે. ગુજરાતમાં રાજકોટ બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસ હજુ પણ આ બેઠક પર ઉમેદવારને ઉતારી શકી નથી. રાજકોટ બેઠક પર ભાજપે પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. રૂપાલાના ક્ષત્રિય સમાજને લઇને આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. આ દરમિયાન આપણે રાજકોટ લોકસભા બેઠકના રાજકીય સમીકરણ વિશે જાણીયે….
રાજકોટ લોકસભા બેઠકનું સમીકરણ
રાજકોટ ગુજરાત લોકસભા ચૂંટણી વિસ્તારમાંથી એક છે. સૌરાષ્ટ્રમાં આવતું રાજકોટ ગુજરાતનું ચોથુ સૌથી મોટુ શહેર છે. મહાત્મા ગાંધીનું બાળપણ આ શહેરમાં જ વિત્યું હતું. 2011ની જનગણના અનુસાર, અહીંની વસ્તી 27,21,136 છે જેમાં 35.11% ગ્રામીણ અને 64.89% શહેરી વસ્તી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રાજકીય સફરનો પ્રારંભ રાજકોટમાંથી જ થયો હતો. 2001માં મુખ્યમંત્રી પદની જવાબદારી મળ્યા બાદ તે રાજકોટ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. રાજકોટ લોકસભા બેઠક પર 1962માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસે જીત મેળવી હતી. કોંગ્રેસની ટિકિટ પર નવલશંકરે અહીંથી પ્રથમ ચૂંટણી જીતી હતી.
પટેલ મત નિર્ણાયક ભૂમિકામાં
આ વિસ્તારમાં પટેલ મત નિર્ણાયક ભૂમિકામાં છે. મોટાભાગના કડવા પટેલોની વસ્તી છે. સાથે જ બ્રાહ્મણ, ક્ષત્રિય, કોળી અને વાણિયાના મત પણ વધારે છે. શહેરી વિસ્તારમાં ખાસ કરીને જ્વેલરીનું કામ કરનારા વેપારી છે. આ વિસ્તારમાં મોટા પાયે જ્વેલરીનું કામ થાય છે, રાજકોટ લોકસભા બેઠક અંતર્ગત ટંકારા, રાજકોટ પશ્ચિમ, જસદણ, વાંકાનેર, રાજકોટ દક્ષિણ, રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામીણ વિધાનસભા બેઠક આવે છે.
રાજકોટ લોકસભા બેઠકનો ઇતિહાસ
1962માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના યૂએન ઢેબરે જીત મેળવી હતી. તે બાદ 1967માં સ્વતંત્ર પાર્ટીના મીનૂ મસાનીએ જીત મેળવી હતી. 1971માં કોંગ્રેસના ઘનશ્યામભાઇ ઓઝા, 1977માં જનતા પાર્ટીના કેશુભાઇ પટેલ, 1980માં કોંગ્રેસના રામજીભાઇ માવાણી, 1984માં કોંગ્રેસના રામાબેન પટેલ, 1989માં ભાજપે અહીં ખાતુ ખોલ્યું હતું શિવાલાલ વેકરિયાએ સતત બે વખત (1989-1991) જીત મેળવી હતી. 1996,1998 અને 2004માં ભાજપના વલ્લભભાઇ કથિરિયાએ જીત મેળવી હતી. 2009માં આ બેઠક ફરી એક વખત કોંગ્રેસના હાથમાં આવી હતી. કોંગ્રેસના કુંવરજી બાવળિયાએ આ બેઠક પર જીત મેળવી હતી. 2014 અને 2019માં મોદી સરકારની લહેરમાં આ બેઠક ફરી એક વખત ભાજપ પાસે ગઇ હતી. ભાજપના મોહન કુંડારિયા સતત બે ટર્મથી આ બેઠક પર જીત્યા હતા.
2019 લોકસભા ચૂંટણીનું પરિણામ
- ભાજપના મોહન કુંડારિયા 7,58,645 મતથી જીત્યા હતા.
- કોંગ્રેસના લલિત કગથરાને 3,90,238 મત મળ્યા હતા.
- નોટાને 18,318 મત મળ્યા હતા.
- BSPના વિજય પરમારને 15,388 મત મળ્યા હતા.
2014 લોકસભા ચૂંટણીનું પરિણામ
- મોહન કુંડારિયા, ભાજપ-5,08,437 મત (58.8%)
- કુંવરજી બાવળિયા, કોંગ્રેસ-3,75,096 (35.5%)

