ગુજરાતમાં ભાજપના રિપીટ 12 સાંસદમાંથી 11 કરોડપતિ, અમિત શાહ કરતા પણ આ સાંસદની સૌથી વધુ સંપત્તિ

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપે તેના તમામ ઉમેદવારો જાહેર કર્યા છે જે પૈકી રિપીટ કરેલા 12 ઉમેદવારોની સંપત્તિ જોતાં એવું જણાય છે કે એકમાત્ર ભરૂચના ઉમેદવારને બાદ કરતાં તમામ ઉમેદવારો કરોડપતિ છે. હવે પાંચ વર્ષ પછી આ ઉમેદવારોની સંપત્તિ ક્યાં જઇને પહોંચશે તેની માહિતી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ થનારી એફિડેવિટમાં ધ્યાને આવશે.
આ ત્રણ સાંસદની સૌથી વધુ સંપત્તિ
એસોસિયેશન ફોર ડેમોક્રેટીડ રિફોર્મ્સ (ADR)ના જાહેર થયેલા (2019 લોકસભા) રિપોર્ટ અનુસાર સંપત્તિમાં ટોચક્રમે જામનગરના સિટીંગ સાંસદ પુનમ માડમ અને નવસારીના સીઆર પાટીલ છે. તેમના પછી ગાંધીનગરના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે છે. આ ત્રણેયની સંપત્તિ 40 કરોડની ઉપર છે, જ્યારે ભરૂચના મનસુખ વસાવા પાસે માત્ર 0.68 લાખની સંપત્તિ છે.
આ ચાર સાંસદો સામે ક્રિમિનલ રેકોર્ડ
રિપોર્ટ અનુસાર ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ચાર સંસદસભ્યો સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે અને અદાલતોમાં પડતર છે જેમાં આણંદના ભાજપના ઉમેદવાર તથા સિટીંગ સાંસદ મીતેશ પટેલ સામે આણંદની કોર્ટ સમક્ષ કેસ પડતર છે, જેમાં ચાર્જ ફ્રેમ કરાયો નથી. બીજો કેસ તેમની સામે વાસદ પોલીસ મથકનો છે, જેમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ પડતર છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સામે પશ્ચિમ બંગાળમાં કેસ પડતર છે. ખાસ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા પ્રવચન એટલે કે આઇપીસી 153એ અન્યવે ગુનો દાખલ કરાયેલો હતો. આ ગુનો મમતા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં તેમણે કોલકત્તા હાઇકોર્ટ સમક્ષ અપીલ પણ કરેલી છે. તેમની સામે કુલ ચાર કેસો અદાલતમાં પડતર છે.
જ્યારે જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને સિટીંગ સાંસદ રાજેશ ચુડાસમા સામે પણ ત્રણ કેસો કોર્ટમાં પડતર છે, જેમાં એક મહિલા પર હુમલો કરવો, ગુનો બન્યો ત્યારે તેમની હાજરી તેમજ ગુનાહિત રીતે પ્રોપક્ટી ભેગી કરવી તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવસારીના સાંસદ સીઆર પાટીલ સામે લિંબાયતમાં 2006માં પ્રોપર્ટી અંગેનો કેસ થયેલો છે.
2019ની એફિડેવિટ મુજબ સાંસદની સંપત્તિ
| બેઠક | ઉમેદવાર | સંપત્તિ (Cr) |
| નવસારી | સીઆર પાટીલ | 44.6 |
| જામનગર | પુનમ માડમ | 42.73 |
| ગાંધીનગર | અમિત શાહ | 40.32 |
| આણંદ | મિતેશ પટેલ | 7.7 |
| જૂનાગઢ | રાજેશ ચુડાસમા | 1.08 |
| ખેડા | દેવુસિંહ ચૌહાણ | 1.3 |
| દાહોદ | જસવંતસિંહ ભાભોર | 2.7 |
| ભરૂચ | મનસુખ વસાવા | 0.68 |
| બારડોલી | પ્રભુ વસાવા | 2.83 |
| કચ્છ | વિનોદ ચાવડા | 3.35 |
| પાટણ | ભરતસિંહ ડાભી | 4.73 |
| અમદાવાદ ઇસ્ટ | હસમુખ પટેલ | 7.46 |

