લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં કોંગ્રેસને ઉમેદવારના પણ ફાંફા, પૂર્વ ધારાસભ્યોએ ચૂંટણી લડવા ઇન્કાર કર્યો

એક તરફ, ભાજપમાં ટિકિટની ભાંજગડને કારણે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેચવી પડી છે. પક્ષમાં જ આંતરિક વિખવાદ વકરતાં આ સ્થિતિનું નિર્માણ થયુ છે. બીજી બાજુ, કોંગ્રેસને ય સક્ષમ મૂરતિયા શોધવામાં આંખે પાણી આવ્યુ છે તેમાં પૂર્વ ધારાસભ્યોએ પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે જેથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સાંધતા તેર તૂટે તેવી દશા છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી કેસરિયો ખેસ પહેરવા માંડ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઉમેદવારોની પસંદગી કરવી અઘરી બની છે. આ વખતે ભાજપે પાંચ લાખના માર્જીનથી 26માંથી 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે જેના પગલે કોંગ્રેસે પણ લડત આપી શકે તેવા ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યું છે. આ જોતાં કોંગ્રેસે નવા-યુવા ચહેરાને ટિકિટ આપવાનું સાહસ સુદ્ધાં કર્યુ નથી. કોંગ્રેસે આ વખતે પૂર્વ સાંસદ-ધારાસભ્યોને જ ટિકિટ આપવાનું મન બનાવ્યુ છે તેમાં ય વર્તમાન ધારાસભ્યોને ચૂંટણી મેદાને ઉતારાયા છે.
કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની 19 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે જ્યારે સાત બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે. પૂર્વ ધારાસભ્યોએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતા મોટાભાગની બેઠક પર કોકડુ ગુંચવાયું છે.
ગુજરાતની રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ, વડોદરા, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણા બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે.
પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો
રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સામે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું લગભગ નક્કી હતું પણ ધાનાણીએ છેલ્લી ઘડીએ ચૂંટણી લડવા જ ઇન્કાર કરી દીધો હતો.આ કારણોર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ દોડ્યા છે. આ ઉપરાંત આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને ટક્કર આપવા માટે ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવા તૈયારી કરી હતી પણ આ વખતે સમય પારખીને ભરત સિંહે સામે ચાલીને ચૂંટણી મેદાનેથી પીછેહટ કરી હતી. આખરે આ બેઠક પર વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાને ટિકિટ આપવી પડી હતી. ભાવનગરમાંથી ખુદ શક્તિસિંહ ગોહિલે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી નહતી.
પાટણમાં ઠાકોર મતદારોના પ્રભુત્વને જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે જગદીશ ઠાકોરને ટિકિટ આપવા નક્કી કર્યુ પણ તબીયતનું કારણ આગળ ધરીને તેમણે ય ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. અમદાવાદમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમત સિંહ પટેલે પણ લોકસભા ચૂંટણી લડવા ધરાર ના પાડી દીધી હતી. છેલ્લે ટિકિટ આપી તો અન્ય રાજકીય પક્ષો સાથેના સંબંધને જોતાં રોહન ગુપ્તાએ પણ ઉમેદવારી પાછી ખેંચતા કોંગ્રેસનું નીચાજોણુ થયુ હતું. ગુજરાત કોંગ્રેસના લગભગ દસેક નેતાઓ ચૂંટણી લડવા ઇન્કાર કરી ચુક્યા છે. સાબરકાંઠામાં તુષાર ચૌધરીએ પણ સ્વિકાર કર્યો કે હાઇકમાન્ડે ટિકિટ આપી એટલે ચૂંટણી લડી રહ્યો છું. ચર્ચા છે કે આજે લોકસભાની ચૂંટણી લડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે ચૂંટણી મેદાને ઉતરવા બધા તૈયાર છે પણ ચૂંટણી લડવા માટે ફંડ લાવવુ ક્યાંથી? એ સવાલ ઉઠ્યો છે. એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાથી હાઇકમાન્ડ પણ પૈસા આપી શકે તેવી સ્થિતિમાં નથી. આ ઉપરાંત સંગઠનના નામે મિંડુ છે. આંતરિક જૂથવાદ હજુ ય ચરમસિમાએ છે. આ બધાય પાસાઓને જોતાં વિધાનસભાની ચૂંટણી પરિણામો બાદ પૂર્વ ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડવાનું સાહસ કરવા તૈયાર નથી.
કોણે કોણે લોકસભાની ચૂંટણી લડવા ના પાડી
- ભરતસિંહ સોલંકી- આણંદ
- શક્તિસિંહ ગોહિલ- ભાવનગર
- જગદીશ ઠાકોર- પાટણ
- પરેશ ધાનાણી- રાજકોટ બેઠક
- હિંમતસિંહ પટેલ-અમદાવાદ પૂર્વ
- શૈલેષ પરમાર- અમદાવાદ પશ્ચિમ

