લોકસભા ચૂંટણી 2024: મહેસાણામાં કોને ટિકિટ મળશે?, ગુજરાતની આ ચાર બેઠક પર ભાજપને ઉમેદવાર મળતા નથી

લોકસભા ચૂંટણી 2024ની તારીખ જાહેર થઇ ગઇ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેએ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. ભાજપે અત્યાર સુધી ગુજરાતની 26 બેઠકમાંથી 22 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે જેમાંથી બે બેઠક વડોદરા અને સાબરકાંઠા બેઠકના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ભાજપને ચાર બેઠક પર ઉમેદવાર મળતા નથી. મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે.
મહેસાણામાં કોને ટિકિટ મળશે ? બાયોડેટા મંગાવાયા, દાવેદારો કમલમ દોડ્યાં
મહેસાણા બેઠક પર ભાજપને ઉમેદવાર મળતો નથી. આ બેઠક પર વર્તમાન સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ચૂક્યા છે. આ બેઠકના પ્રબળ દાવેદાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી મેદાન છોડ્યુ છે. આમ છતાંય મહેસાણામાં કોને ટિકિટ આપવીને તે અંગે મૂંઝવણ છે. એવી માહિતી મળી છેકે, દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ગુજરાત ભાજપે મહેસાણા બેઠક માટે બાયોડેટા મંગાવ્યા હતા. લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો બાયોડેટા લઇ કમલમ દોડ્યા હતા. આ ઉપરાંત રાજકીય ગોડફાધરોના નિવાસસ્થાને આંટાફેરા શરૂ કર્યા છે. આમ, મહેસાણામાં ફરી એકવાર ઉમેદવારની શોધખોળ આદરવામાં આવી છે.
વલસાડમાં બબાલ, ઉમેદવાર ધવલ પટેલને બદલો
વલસાડમાં સાંસદ કે.સી પટેલને ઘેર બેસાડી ભાજપે ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે પણ નામની જાહેરાત થતાં જ સ્થાનિક નેતા-કાર્યકરો ભડક્યા છે. સ્થાનિક ભાજપના નેતાઓ કહી રહ્યા છેકે, અમે ધવલ પટેલને ઓળખતાય નથી. પ્રચારમાં ધવલ પટેલે ઓળખ આપવી પડે છે. ધવલ પટેલ વિરુધ્ધ એવો રોષ પ્રવર્તી રહ્યો છેકે, પત્રિકાવોર જામ્યો છે. વલસાડ બેઠક પર પણ આયાતી હોવાના નાતે ઉમેદવાર બદલવાની માંગ ઉઠી છે. હવે આ બેઠક પર પણ અસંતુષ્ટોનો રોષ ઠારવા માટે ભાજપ ડેમેજકંટ્રોલ કરવા મથામણ કરી રહ્યું છે.
જૂનાગઢમાં ગીતા માલમ ડાર્ક હોર્સ બની શકે છે
જૂનાગઢ બેઠક પર કોને ચૂંટણી મેદાને ઉતારવા એ ભાજપ હાઈકમાન્ડ હજુ નક્કી કરી શક્યુ નથી. આ જોતાં આ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત વિલંબમાં મૂકાઈ છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની વિદાય લગભગ નક્કી છે. ડો.ચગ આત્મહત્યા કેસ રાજેશ ચુડાસમાને નડી શકે છે. જૂનાગઢ બેઠક પર દાવેદારોની લાઈન છે ત્યારે આ બેઠક પર ભાજપ ગીતાબેન માલમને ટિકિટ આપે તેવી સંભાવના છે.

