‘ભાજપ તારા વળતા પાણી’ અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતર્યા, ચૂંટણી બહિષ્કારની આપી ચિમકી

લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે.સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા રાજકારણ ગરમાયું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકોએ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી છે.
ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ
અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકો બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. મેઘરજના ઊંડવા રોડ પર ભીખાજી ઠાકોરના સમર્થકોએ બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાજપ તારા વળતા પાણીના બેનરો સાથે ભીખાજી ઠાકોરના સમર્થક એકત્ર થયા હતા અને ચૂંટણી બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ભાજપ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠર પર ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બાદમાં ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને ચૂંટણીન લડવાની ના પાડી હતી.
સર્વ સમાજ અરવલ્લી (મેઘરજ તાલુકા) દ્વારા “સાબરકાંઠા લોકસભાની ટીકીટ ભીખાજી ઠાકોરને નહિં તો ભાજપને મત નહિં”ના બેનર સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.આ સાથે જ ભીખાજી ઠાકોરના સમર્થકોએ, ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે, તેમજ નીચે ભાજપ તારા વળતા પાણીના બેનર લગાવ્યા હતા.
મોડાસા ભાજપ કાર્યાલયે દેખાવો
ભીખાજી ઠાકોરના સમર્થકો અરવલ્લીના મોડાસા ખાતે ભાજપ કાર્યાલયે એકઠા થયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ ભીખાજી ઠાકોરના સમર્થકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અરવલ્લીના ઉમેદવારને કાપવામાં કોણે રસ દાખવ્યો? અમારા ઠાકોર સમાજનું અવમૂલીયન કેમ કરાયું? મોડાસા ખાતેના શ્રી કમલમ ભાજપ મધ્યસ્થ કાર્યાલયે વિરોધ પ્રદર્શનને લઇને પોલીસ કાફલો ઉતારવાની ફરજ પડી હતી.
ભીખાજી ‘ઠાકોર’ કે ‘ડામોર’?
ભાજપે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા બાદથી સરનેમને લઇને વિવાદ ચાલતો હતો. ભીખાજી ઠાકોર છે કે ડામોર તેને લઇને વિવાદ ઉભો થયો હતો.

