લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભડકો, વધુ બે બેઠક પર ઉમેદવાર બદલાય તેવી શક્યતા!

લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં ભડકો જોવા મળી રહ્યો છે. વડોદરા અને સાબરકાંઠાના ભાજપના ઉમેદવારે સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. આ બન્ને ઉમેદવારો સામે નારાજગી જોવા મળતી હતી. ગુજરાતની વધુ બે બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા છે. આણંદ અને બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા છે.
આણંદના મિતેશ પટેલને દિલ્હી બોલાવાયા
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં 7 મેએ મતદાન થશે. ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં 26માંથી 22 બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી હતી જેમાં બે બેઠક પર ભાજપના ઉમેદવારોએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે.
ભાજપમાં મધ્ય ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી બાદ કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આણંદના ઉમેદવાર મિતેશ પટેલ સામે પણ વિરોધ ઉભો થયો છે. મિતેશ પટેલને હાઇકમાન્ડે દિલ્હી બોલાવ્યા હતા. દિલ્હી ખાતે ભાજપ મોવડી મંડળની શનિવારે મળનારી બેઠકમાં આણંદ બેઠકને લઇને નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. વડોદરા અને સાબરકાંઠા બેઠક બાદ આણંદ બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા છે. આણંદ બેઠક પર કોંગ્રેસે અમિત ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે.
બનાસકાંઠામાં પણ ઉમેદવાર બદલવામાં આવે તેવી શક્યતા
ભાજપની બેઠકમાં નવા ઉમેદવારને લઇને ચર્ચા કરાશે. બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. રેખાબેન ચૌધરીને બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને ટક્કર આપી શકે તેવા મજબૂત ઉમેદવારને ઉભો રાખવામાં આવી શકે છે. ભાજપ રેખાબેન ચૌધરીની જગ્યાએ સ્થાનિક ઉમેદવાર પર પસંદગી ઉતારી શકે છે.
ભાજપની બેઠકમાં ગુજરાતના ઉમેદવારોના નામને લઇને થશે ચર્ચા
ભાજપની આજે સાંજે 7 વાગ્યે દિલ્હીમાં બેઠક મળવાની છે. આ બેઠકમાં ગુજરાતની બાકી રહેલી બેઠકને લઇને પણ ઉમેદવારના નામને લઇને ચર્ચા કરવામાં આવી શકે છે. મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ બેઠક પર ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. આ સિવાય વડોદરા અને સાબરકાંઠા બેઠક પર પણ હવે ઉમેદવારના નામને લઇને ચર્ચા થઇ શકે છે. આ સિવાય આણંદ અને બનાસકાંઠા બેઠક પર પણ ઉમેદવાર બદલવામાં આવે તેવી ચર્ચા છે.

