VIDEO: માત્ર એક ઝટકામાં ખાલી થઈ જશે આખી માલગાડી! રેલવે મંત્રીએ લીલી ઝંડી આપતાં જ સર્જાયો ઇતિહાસ
ભારતીય રેલવે દ્વારા દેશમાં મીઠાના (નમક) પરિવહનને વધુ ઝડપી, સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કચ્છના શિવલખા ખાતેથી ખાસ તૈયાર કરાયેલા અત્યાધુનિક સ્ટેનલેસ-સ્ટીલ કન્ટેનરથી સજ્જ દેશની સૌપ્રથમ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ કચ્છ-ભુજ પ્રદેશને 4 નવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલની ભેટ પણ આપવામાં આવી છે.
શું છે આ ખાસ સ્ટેનલેસ-સ્ટીલ કન્ટેનરની વિશેષતા?
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલવે દ્વારા મીઠાની હેરફેર વધુ સક્ષમ બનાવવા માટે આ ખાસ ઇનોવેશન કરવામાં આવ્યું છે. આ કન્ટેનરમાં ઉપરથી મીઠું લોડ કરવામાં આવે છે અને સાઇડમાંથી અનલોડ (ખાલી) કરી શકાય છે. કન્ટેનરને સામાન્ય રીતે નમાવીને (ટિલ્ટ કરીને) તેમાં રહેલું તમામ મીઠું એક જ ઝટકામાં સરળતાથી બહાર કાઢી શકાય છે. સ્ટેનલેસ-સ્ટીલના ઉપયોગને કારણે મીઠાના વજન અને કન્ટેનરના વજન વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે છે અને કાટ લાગવાનો ભય રહેતો નથી.
કચ્છ-ભુજ પ્રદેશને 4 નવા કાર્ગો ટર્મિનલ મળ્યા
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 150 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સફળતાપૂર્વક તૈયાર થઈને કાર્યરત થઈ ચૂક્યા છે, જેનો લાભ દેશભરના ઉદ્યોગો અને અર્થતંત્રને મળી રહ્યો છે. આ જ શ્રેણી હેઠળ કચ્છ-ભુજ પ્રદેશમાં આવેલા 4 નવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ—ભીમાસર, દેવલિયા, ચંડીસર અને શિવલખાને દેશની જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે, જેનાથી સ્થાનિક ઉત્પાદકો અને વેપારીઓને માલસામાનના ઝડપી પરિવહનમાં મોટો ફાયદો થશે.

