VIDEO: Kutchના સૌથી મોટા રૂદ્રમાતા ડેમની દયનિય સ્થિતિ, કેનાલ જર્જરિત થતાં ખેડૂતોમાં રોષ
કચ્છ ભૂજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતો રૂદ્રમાતા ડેમ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ડેમનું હેડ રેગ્યુલેટર જર્જરિત છે, જ્યારે ડેમની કેનાલની દયનિય સ્થિતિ અંગે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભુજ તાલુકાની જીવાદોરી સમાન રૂદ્ર માતા ડેમમાંથી આજુબાજુના ચારથી પાંચ ગામને પીવાનું પાણી અને 60,000 હેકટરમાં સિંચાઇ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમની અવદશા જોવા મળી રહી છે.
ડેમના નિર્માણ બાદ સમારકામ પાછળ એકપણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી
1962 બનાવામાં આવેલ ડેમના નિર્માણ બાદ સમારકામ પાછળ એકપણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. હાલમાં ડેમના દરવાજા ખોલવા માટેનું હેડ રેગ્યુલેટર જોખમી હાલતમાં છે. જેના કારણે ખેડૂતોને દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. ડેમની કેનાલની ભારે અવદશા જોવા મળી રહી છે. કેનાલ ઠેર ઠેર તૂટી ગયેલી હાલતમાં છે.
તંત્રના પેટનું પાણી પણ હલતું નથી
કચ્છના સૌથી મોટો રૂદ્ર માતા ડેમની સ્થિતિ અંગે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે..સ્થાનિક ખેડૂતોએ એનકવાર રજુઆત કરવા છતાંપણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ડેમનું સમારકામ અને કેનાલની સફાઈ માટે ફાળવામાં આવતી ગ્રાન્ટ કયાં જાય છે તેવા સવાલો ઉભા થયા છે. હાલમાં ચોમાસાના વરસાદ બાદ ડેમમા 15 ફૂટ પાણીની આવક થઈ છે. આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે ત્યારે જર્જરિત હાલતનો ડેમ કોઈ દુર્ઘટના નોંતરશે તેવો ભય ખેડૂતો ને સતાવી રહ્યો છે.

