Kheda: ભ્રષ્ટાચાર ભગવો, અમૂલ બચાવો: સંઘની ચૂંટણી પહેલા જ ડેરીમાં ગરમાયું રાજકારણ

ટૂંક સમયમાં યોજાનાર અમૂલ ડેરી સંઘની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ સરકારના શાસનમાં સહકારી ક્ષેત્રમાં બેફામ ભ્રષ્ટાચારના આરોપો સાથે "અમૂલ બચાવો"ના નારા સાથે આંદોલન ઉગ્ર બન્યું છે.
આ મુદ્દે ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો, દૂધ મંડળીઓના ચેરમેન, કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ફાગવેલ ખાતે એકઠા થયા હતા. આ એકત્રીકરણ બાદ તેમણે ભાથીજી મહારાજના દર્શન કર્યા અને આગેવાનો અને પશુપાલકો વીરપુર ખાતે જમીન ખરીદીના સ્થળની તપાસ માટે રવાના થયા હતા.
અમૂલ દ્વારા વીરપુર ખાતે ઊંચા ભાવે જમીન ખરીદવામાં આવી
નોંધનીય છે કે અમૂલ ડેરી દ્વારા વીરપુર ખાતે ઊંચા ભાવે જમીન ખરીદવામાં આવી હોવાનો મુદ્દો ચર્ચામાં છે. આ જમીન ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો ઉઠ્યા છે, જેને લઈને સહકારી ક્ષેત્રના લોકો અને પશુપાલકોમાં રોષ ફેલાયો છે.
જમીન ખરીદીમાં પારદર્શિતાનો અભાવ
આ આરોપોના પગલે "અમૂલ બચાવો"ના નારા સાથે આંદોલન શરૂ થયું છે. પશુપાલકો અને સહકારી આગેવાનોનો આક્ષેપ છે કે, અમૂલ ડેરીના નામે થયેલી આ જમીન ખરીદીમાં પારદર્શિતાનો અભાવ છે અને ઊંચા ભાવે જમીન ખરીદીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ મુદ્દે તેઓએ તપાસની માંગ કરી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.
આ આંદોલન અને ભ્રષ્ટાચારના આરોપોને લઈને અમૂલ ડેરી સંઘની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધુ તેજ થવાની શક્યતા છે. સહકાર ક્ષેત્રના આગેવાનો અને પશુપાલકોનું આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બની શકે છે, જેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પણ પડી શકે છે. આ મુદ્દે અમૂલ ડેરી સંઘ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

