VIDEO: ખેડૂતોના આપઘાત મામલે જૂનાગઢમાં કિસાન સંઘ આકરા પાણીએ
VIDEO: ગુજરાતમાં તાજેતરમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. જે અંગે રાજ્યમાં એકથી બે સ્થળે ખેડૂતોએ પાક નિષ્ફળ જતા જીવન ટૂંકાવ્યા હતા. જે અંગે જૂનાગઢમાં કિસાન સંઘ આકરા પાણીએ છે. કિસાન સંઘનું કહેવું છે કે, સરકાર જાહેરાતના બદલે તાત્કાલિક સહાયનો અમલ કરે. સરકાર પાસે પૈસા ન હોય તો ઉદ્યોગપતિઓ પાસેથી લઈને ખેડૂતોને સરકાર ચૂકવી આપે.
ખેડૂતોને માવઠા બાદ ભારે નુકસાન થવા પામ્યું છે. જેથી સરકારે હવે સહાય ચૂકવવામાં જરાપણ ઢીલ ન રાખવી જોઈએ. આગામી સમયમાં ખેતરમાં હવે નવો પાક વાવવાનો સમય છે ત્યારે કિસાન સંઘના અગ્રણી મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું કે, ઉદ્યોગપતિઓ ખેડૂતોની મદદ કરી રહ્યા છે તે સરાહનીય બાબત છે. આવી મદદથી અનેક ખેડૂતો બચી શકશે. સરકાર હજુ સુધી સમજતી નથી જેના કારણે ખેડૂતોને મુશ્કેલી વધતી જાય છે. કિસાન સંઘના પ્રદેશ અગ્રણી મનસુખભાઈ પટોડિયાએ બળાપો કાઢતા કહ્યું કે, વિસાવદરના ઈશ્વરિયાના ખેડૂતે આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હતો. જો સરકાર હજુ યોગ્ય નહીં કરે તો વધુ ખેડૂતોને આપઘાત કરવા મજબૂર બનવું પડે તેવી સ્થિતિ છે.

