VIDEO: કેશોદ પંથકના અતિ બિસ્માર 41 રોડ રિપેર ન કરાતા કિસાન કોંગ્રેસ સમિતિનો તંત્રને સ્મૃતિપત્ર
VIDEO: રાજ્યમાં ચોમાસાને દોઢ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં કેશોદ પંથકમાં આવેલા 41 અતિ બિસ્માર રોડ-રસ્તા રિપેર ન કરવામાં આવતા આખરે કેશોદ કિસાન કોંગ્રેસ સમિતિએ તંત્રને સ્મૃતિપત્ર આપી ફરી યાદ અપાવ્યું હતું. પ્રથમ વખત કોંગ્રેસ સમિતી સ્મૃતિપત્ર સાથે આકરાં પાણીએ જોવા મળી હતી. 10 દિવસ અગાઉ રસ્તા રિપેર ન કરતા કોંગ્રેસ સમિતિએ આવેદન આપી રજૂઆત કરી હતી. જો કે, 10 દિવસનો સમય પસાર થઈ જતા આખરે કેશોદ
કિસાન સમિતિએ લેખિત સ્વરૂપે યાદગીરી રહે તે માટે સ્મૃતિપત્ર આપ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ પંથકના અતિ બિસ્માર 41 રોડ-રસ્તાઓ રિપેર કરવામાં આવતાં ન હોવાના સમિતિએ આક્ષેપ મૂક્યો હતો. સ્મૃતિ પત્ર બાદ રસ્તા રિપેર નહીં કરાય તો તંત્રને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો હજી રસ્તા રિપેર કામગીરી નહીં તો 10 દિવસ બાદ સામૂહિક ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે. ચૂંટાયેલાં ધારાસભ્યને લીડ મળી ન હોય તેવા ગામડાઓ સાથે અન્યાય કરાતો હોવાના સમિતિના આક્ષેપ છે. ખોખરડા ફાટકથી બામણાસા જતો અતિ બિસ્માર રસ્તો 2 ટર્મ રહી ચૂકેલા જિલ્લા પંચાયતના પ્રમુખના મત ક્ષેત્રનો હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે, કિસાન કોંગ્રેસ સમિતિને અધિકારીઓ જોવા ન મળતાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

