VIDEO: જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રમુખના પતિનું રાજ?, કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ
જૂનાગઢમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણીના પતિ વિપુલ કાવાણીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાયરલ ફોટામાં વિપુલ કાવાણી સરકારી નિયમોને નેવે મૂકીને સીધા મહિલા પ્રમુખની સત્તાવાર સીટ ઉપર બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, કચેરીએ આવતા અરજદારો પણ મહિલા પ્રમુખના બદલે તેમના પતિને રજૂઆતો કરતા નજરે પડ્યા છે.
સામાન્ય રીતે મહિલા હોદ્દેદારોના સ્થાને તેમના નજીકના સંબંધીઓ વહીવટ કરતા હોવાના આક્ષેપો અવારનવાર થતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પ્રમુખના પતિ જ ખુલ્લેઆમ વહીવટ કરતા પકડાતા વહીવટી તંત્રમાં અનેક ચર્ચાઓ અને સવાલો જાગ્યા છે. આ વાયરલ ઈમેજને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સત્તા સોંપાય છે, પરંતુ દરેક જગ્યાએ આવી જ સ્થિતિ છે જ્યાં મહિલાના બદલે તેમના પતિદેવ જ વહીવટ ચલાવતા હોવાનું જોવા મળે છે.

