28 વર્ષથી માત્ર વચન: જૂનાગઢની આઝાદીના લડવૈયાઓના સ્મારક માત્ર તકતી પૂજન સુધી સીમિત!
સમગ્ર દેશની આઝાદી કરતાં જૂનાગઢની આઝાદીનો દિવસ અલગ છે. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આરઝી હુકુમતની સ્થાપના કરીને શામળદાસ ગાંધી સહિતના લડવૈયાઓએ જૂનાગઢને નવાબની ગુલામીમાંથી મુક્ત કરાવ્યું હતું. જોકે, આ આઝાદીના લડવૈયાઓ પ્રત્યે વર્તમાન શાસકોની ઉપેક્ષા સામે વિવાદ ઊભો થયો છે. આઝાદી અપાવનાર આરઝી હુકુમતના લડવૈયાઓના સ્મારક બનાવવાની વાતો વર્ષોથી માત્ર વચન બનીને રહી ગઈ છે.
આઝાદી 84 દિવસ મોડી મળી, સ્મારક હજી અધૂરા
15 ઓગસ્ટ 1947 ના રોજ દેશ આઝાદ થયો, પરંતુ જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લેતા મોટી અરાજકતા સર્જાઈ હતી. સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ બહાઉદ્દીન કોલેજ ખાતે સંમેલન યોજાયું અને આરઝી હુકુમતની સ્થાપના થઈ. આ હુકુમતના લડવૈયાઓએ સંઘર્ષ કરીને નવાબને ભાગી જવા મજબૂર કર્યા. પરિણામે, દેશની આઝાદીના 84 દિવસ બાદ 9 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢ આઝાદ થયું.
પરંતુ, આ વીરોનું સ્મારક હજી બન્યું નથી. જૂનાગઢ મહાનગરપાલિકા દર વર્ષે 9 નવેમ્બરે માત્ર બહાઉદ્દીન કોલેજ ખાતે ફટાકડા ફોડી અને સ્મારક બનાવવાની તકતીનું પૂજન કરીને સંતોષ માની લે છે. વર્ષ 1997 માં તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખે સ્મારક બનાવવા માટે તકતીનું પૂજન કર્યું હતું, પરંતુ કમનસીબે ત્યારથી લઈને આજ સુધી આ સ્મારક બન્યું નથી. અગ્રણી અમૃતભાઈ દેસાઈએ આ અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
CM ના આગમન પહેલા રાજકારણ ગરમાયું
હાલમાં જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વધુ એકવાર દાવો કર્યો છે કે, આરઝી હુકુમતના લડવૈયાઓના સ્મારક ટૂંક સમયમાં જ બનશે અને મુખ્યમંત્રી જૂનાગઢમાં તેની જાહેરાત કરશે. ભાજપના નેતાઓ દરવખતે 9 નવેમ્બરે સરકારમાં રજૂઆત કરી હોવાના દાવા કરે છે, પરંતુ પરિણામ શૂન્ય છે.
નેતાઓની આગતા-સ્વાગતા, પ્રજાના ખાડા જેમ-ના-તેમ
મુખ્યમંત્રી જૂનાગઢની આઝાદીની ઉજવણીમાં ભાગ લેવા 9મી નવેમ્બરે આવી રહ્યા છે. તેઓ બહાઉદ્દીન કોલેજ ખાતે કાર્યક્રમમાં જોડાશે અને ત્યારબાદ 8 કિલોમીટરની પદયાત્રામાં ભાગ લેશે. જે રસ્તા પર મુખ્યમંત્રી પસાર થવાના છે, ત્યાં ખાડાઓનું રિપેરિંગ કરી નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ગટર સફાઈ સહિતની ઝાકમઝોળ કરવામાં આવી છે.
આ મામલે જૂનાગઢવાસીઓ અને વિપક્ષે શાસક પક્ષ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે.
સ્થાનિક અરવિંદ રાબડીયા અને મનપાના વિપક્ષ નેતા લલિત પણસારાએ આક્ષેપ કર્યો છે કે, "ટેક્સ ભરતા જૂનાગઢવાસીઓ માટે સુવિધા ઊભી કરવામાં નિષ્ફળ મનપા પ્રજાના ટેક્સના પૈસે માત્ર નેતાઓની આગતાસ્વાગતા માટે કોઈ કસર છોડતી નથી. પ્રવાસનની રાજધાની જૂનાગઢમાં અનેક ઐતિહાસિક સ્મરણો હોવા છતાં, સરકારની અણઆવડતના કારણે માત્ર તાયફાઓ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે."

