VIDEO: સૌરાષ્ટ્રમાં મેઘો અનરાધાર, ભાદર-2 ડેમ છલકાયો
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે પોરબંદરના ઘેડ પંથકના 19 ગામો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ 100 ટકા ભરાઈ જતા, તેનું પાણી ઘેડ પંથકમાં આવે છે. જેના પગલે તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબીના 21 ગામોને એલર્ટ કરાયા
મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ભારે વરસદાને પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલાયો છે. અત્યાર સુધીમાં કુલ બે ફૂટ દરવાજો ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં મચ્છુ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જાવક છે. જેથી મોરબી અને માળીયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે.
રામતલિયા નદીમાં આવ્યું ધોડાપૂર
આજે વહેલી સવારથી જ અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, વિકટર, કુંભારીયા, દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે મોરંગી ગામની રામતલિયા નદીમાં ધોડાપૂર આવ્યું છે.

