કુંભમેળાની સીધી અસર ભવનાથનાં મેળા પર, મેળામાં સાધુઓ સાથે ભાવિકોની સંખ્યામાં ઘટાડો

જૂનાગઢના પ્રાચીન ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે યોજાતા પ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનો થોડા દિવસ અગાઉ જ પ્રારંભ થઈ ગયો છે. તેવામાં પ્રયાગરાજમાં ચાલતા કુંભમેળાની સીધી અસર આ જૂનાગઢના મેળામાં જોવા મળી છે.
ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે જ્યાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ભાગ લેવા માટે આવતા હોય છે. પરંતુ દર વર્ષ કરતાં આ વર્ષે શિવરાત્રિના મેળામાં જોઈએ તેવો માહોલ જામ્યો નથી. પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલતો હોવાથી જૂનાગઢના મેળામાં સાધુઓ અને ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
દર વર્ષે મેળાના પ્રારંભિક દિવસો અગાઉ જ રસ્તાઓ ઉપર ચાલવાની જગ્યા નથી રહેતી. ભવનાથનાં તમામ રસ્તાઓ ઉપર ભયંકર ટ્રાફિક સર્જાય છે. પરંતુ આ વખતે માત્ર ભવનાથનાં દત્ત ચોકમાં જ સામાન્ય ટ્રાફિક સાથે અન્ય રસ્તાઓ ઉપર યાત્રિકોની જૂજ સંખ્યાઓ જોવા મળી છે.
ભવનાથમાં આ વર્ષે મહાશિવરાત્રીના મેળાનું 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. જ્યાં તમે ભવનાથ મંદિરમાં દર્શન કરી શકો છો. જેમાં અત્યાર સુધી 3 લાખ જેટલા લોકો ઉમટ્યા છે.
મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થતા ભાવિકોને વધુ સારી સગવડો ઉપલબ્ધ કરાવવા તેમજ વિવિધ વ્યવસ્થાઓમાં ભવિષ્યમાં જરૂરી બદલાવ લાવવા જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આર્થિક-સામાજિક બાબતો પર પ્રથમ વાર લોકોના 'મન કી બાત' જાણવા રિસર્ચની પહેલ હાથ ધરવામાં આવી છે.

