ગુજરાતમાં આખેઆખુ ગામ બારોબાર વેચાઈ જવાની બીજી ઘટના, સરકારી બાબુઓની સંડોવણી?

ગુજરાતમાં હવે આખેઆખા ગામ બારોબાર વેચાવા લાગ્યા છે. થોડા સમય પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જુના પહાડીયા ગામ બારોબાર વેચાઈ ગયાનું પ્રકાશમાં આવ્યું હતું. હવે ખેડા જિલ્લાના મહુધા તાલુકાનું ઝાલાપુર ગામ પણ આખેઆખું વેચાઈ ગયું છે.
જુના માલીક દ્વારા પેઢીનામુ કરાવીને બારોબાર આખેઆખુ ગામ વેચી નાખ્યું
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મિરઝાપુર તાબે આવેલા ઝાલાપુરા ગામના આખેઆખા સર્વે નંબરનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. આ ગામમાં સરકારી શાળા, રસ્તાઓ, મંદિરો, મકાનો પણ આવેલા છે. તેમ છતાં પણ તેનો વેચાણ દસ્તાવેજ થઇ જતા ગ્રામજનો પણ આશ્ચર્ય ચક્તિ થઈ ગયા હતા. આ બાબતે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે, તેમ છતાં જમીનનો વેચાણ દસ્તાવેજ કેવી રીતે થયો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ગામમાં 22 સરકારી આવાસો, 48 રહેણાંક મકાનો
આ ગામ સર્વે નંબર 162માં 162 ગુઠા એટલે કે સાડા સાત વીઘા જમીનમાં વસેલું છે. આ જમીનમાં હાલમાં સરકારી પ્રાથમીક શાળા, 22 સરકારી આવાસો, 48 રહેણાંક મકાનો તેમજ 5 જેટલા મંદિરો અને સરકારની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા RCC રસ્તાઓ છે. પીવાના પાણીની લાઈનો પાણીના બોર ગટર લાઈનો પણ આવેલી છે. જે સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી છે. આ ગામમાં 400થી વધુ વ્યકિતઓ વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ જમીનના જુના માલીક દ્વારા પેઢીનામુ કરાવીને બારોબાર આ સમગ્ર મિલકતને વેચી નાંખી છે. ચોંકાનારી બાબત તો એ છે કે, આસમગ્ર જમીન વેચાણ કર્યા બાદ તેની પાકી નોંધ પણ પાડી દેવામાં આવી છે.
ગ્રામજનોના વડીલોએ 1970માં લીધી હતી આ જમીન
આ સમગ્ર બાબતની જાણ થતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમજ આ સમગ્ર બાબતમાં સરકારી બાબુઓની સંડોવણી હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે આ જમીનને વર્ષ 1970માં અહીં રહેતા વડવાઓએ રૂ.પાંચના સ્ટેમ્પ પેપર પર વેચાણ દસ્તાવેજથી લીધી હતી, જેના સાક્ષીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં રોડ ટચ જમીન હોવાથી તેના ભાવ વધારે આવતા હોવાથી વર્ષો જુની જમીનમાં કોઈ પણ રીતે છેડછાડ કરીને વારસદારમાં નામ દાખલ કરી વેચાણ દસ્તાવેજ કરી દેવાયાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે.

મામલો કોર્ટમાં છતાં ગામની જમીન વેચી દેવાઈ
આ બાબતે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે આ જમીનમાં અમારા નામો ચાલે છે સાક્ષીઓઓની હાજરીમાં વર્ષ 1975માં રૂ.પાંચના સ્ટેમ્પ પેપર પર દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જે બાબતે નકલોમાં નામ પણ ચાલતા હતા. પરંતુ ખોટી રીતે વારસાઈ કરાવીને અમારા નામો કઢાવી નાંખ્યા હતા. આ બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો, જેની મુદ્દતો હાલમાં ચાલી રહી છે. તા.4 સપ્ટેમ્બરના રોજ તેની મુદત પણ છે. તેમ છતાં આ જમીનના વેચાણ દસ્તાવેજ થઈ જતાં ભારે આશ્ચર્ય સર્જાયુ છે.

