Video: રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગેરકાયદે એચવીઓ ફ્યુઅલનું વેચાણ ઝડપાયું

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગેરકાયદે એચવીઓ ફ્યુઅલના વેચાણનો પર્દાફાશ થયો છે. મોમાઈ હોટેલ સામે આવેલા સમુદ્ર એગ્રો એજન્સી સંચાલિત પંપ પર ગેરકાયદે ફ્યુઅલ વેચાતું હોવાની બાતમીના આધારે એએસપી, મામલતદાર, પુરવઠા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પંપના બે ટાંકામાંથી કુલ 1,240 લિટર એચવીઓ ફ્યુઅલનો જથ્થો મળી આવ્યો હતો. પ્રતિ લિટર 94 રૂપિયાના ભાવે કુલ 1 લાખ 16 હજાર 560 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પંપ સીઝ કરી ફ્યુઅલના નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના અહેવાલ અને પુરવઠા નિયમોના આધારે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.








