ગુજરાતમાં મેઘતાંડવ: જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, જુઓ તારાજીની તસ્વીરો

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ભારે વરસાદના પગલે જર્જરિત મકાન ધરાશાયી
સુરેન્દ્રનગરના લીંબડીના આઝાદ ચોકમાં ભારે વરસાદના પગલે જર્જરિત મકાન ધરાશાયી થયું છે. મકાન તૂટી પડતા તંત્ર દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ચોમાસા પહેલા જર્જરિત મકાનો ઉતારી લેવા તંત્રએ અપીલ કરી હતી પરંતુ જર્જરિત મકાન ઉતારી ન લેતા તે તૂટી પડ્યું હતું.

નાયકા ડેમ ઓવરફલો થતા કોઝ વે ધોવાયો
સુરેન્દ્નનગર જિલ્લાના વસ્તડી-ચુડા કોઝ વે ધોવાયો છે. કોઝવે પાણીમાં ધોવાઈ જતા 50થી વધુગામોમાં અવરજવર માટે રસ્તો બંધ થયો છે. નાયકા ડેમ ઓવરફલો થતા કોઝ વે ધોવાયો છે. તંત્રએ લોકોને કોઝ વે તરફ ન જવા માટે અપીલ કરી છે.

રાજકોટમાં માર્ગો બેટમાં ફેરવાયા
રાજકોટ શહેરમાં ફરી એક વખત મેઘરાજાની તોફાની ઈનિંગ જોવા મળી છે. શહેરમાં બે કલાકોમાં જ ચાર ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું છે. માર્ગો પર જાણે સ્વિમીંગ પુલ બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અમુક લોકોને ઝાડ પર બેસીને રાત વિતાવવાનો વારો આવ્યો
દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ તાલુકાના નીચાણ વાળા ગામોને તેની અસર થઈ હતી. જેના કારણે અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જેથી અમુક લોકોને ઝાડ પર બેસીને રાત વિતાવવાનો વારો આવ્યો હતો.

શંખેશ્વરમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા
પાટણના શંખેશ્વરમાં ભારે વરસાદથી નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કપાસ, એરંડા સહિતનો પાક ધોવાયો.
લોકમેળો રદ્દ થતા આયોજકોને લાખો રૂપિયાનું નુકસાન
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. પરિણામે જન્માષ્ટમીનો લોકમેળો ભારે વરસાદના કારણે બંધ થતા આયોજકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.
પાદરામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા
વડોદરાના પાદરામાં પડેલા ભારે વરસાદના પગલે તારાજીના દૃશ્યો સર્જાયા હતા. પાદરામાં સૌથી વધુ 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પરિણામે લોકોના ઘર અને દુકાનોમાં પણ ઘુસી ગયા છે અને જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. મૂશળધાર વરસાદના કારણે ST ડેપોમાં કેટલાક રૂટ બંધ કરવા પડ્યા છે.

નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા 48 ગામોને એલર્ટ
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. નર્મદા પોતાની ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે. જેને પગલે જિલ્લાના 48 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે નર્મદા ડેમના 23માંથી આઠ ગેટ બંધ કરાતા હાલ 15 ગેટ ખુલ્લા છે.

પાણીમાં ફસાયેલ કારનું રેસ્કયુ કરાયું
મહેસાણાના ઉંઝામાં રાત્રિ દરમ્યાન ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉમિયા માતા ચોકમાં પાર્કિંગમાં મુકેલ કાર પાણીમાં ફસાઈ હતી . ઊંઝા પાલિકાની ટીમ દ્વારા કારનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

કોર્પોરેશનના વાહનો પણ પાણીમાં અટવાયા
અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. નિકોલ ગામના કેટલાક વિસ્તાર જળબંબાકારની સ્થિતિના કારણે તળાવમાં ફેરવાઈ ગયા છે. કોર્પોરેશનના વાહનો પણ પાણીમાં અટવાયેલા જોવા મળ્યા હતા.

પ્રાથમિક શાળાને થયું નુકસાન
વડોદરા આજવા ડેમમાંથી સતત પાણી છોડાતા અસોજ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પણ ઘણું નુકસાન થયું છે. 1 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
બામણવાડમાં દિવાલ ધરાશાઈ થતા પતિ-પત્નીનું મોત
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે કરુણ ઘટના બની. લુણાવાડા તાલુકાના બામણવાડ ગામે દિવાલ ધરાશાઈ થતા પતિ-પત્નીનું મોત નિપજ્યું છે.

સિહોદ ગામ નજીક પુલ પર ભૂવો પડ્યો
છોટા ઉદેપુરના નેશનલ હાઈવે નંબર 56 પર સિહોદ ગામ નજીક ઓરસંગ નદી પર આવેલા પુલ પર ભૂવો પડ્યો હતો. આ સાથે જ બ્રિજ પર અનેક ખાડા પડ્યા હતા, જેના કારણે મુસાફરી કરનારા વાહનચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે.

તોતિંગ વૃક્ષ ઘર પર પડ્યું
સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે બે દિવસમાં અલગ-અગલ જગ્યાએ ઘરના પતરા ઉડી જવા અને દીવાલ પડવાની ઘટના સામે આવી છે. તો ક્યાંક તોતિંગ વૃક્ષ ઘર તેમજ માર્ગ પર પડી જવાની ઘટના સામે આવી. ઓલપાડના ભાંડૂત ગામે એક ઘરની દીવાલ તૂટી પડતા એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે.

પોલીસ ચોકી પાણીના પ્રવાહમાં તણાઈ
જામનગરમાં અવરિત વરસાદના કારણે મહાપ્રભુજી બેઠક પાસે આખેઆખી પોલીસ ચોકી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. આ વિસ્તારમાં અંદાજે ચારથી પાંચ ફૂટ પાણી ભરાયા છે.

કોઝવે પર પાણી ફરી વળ્યા
દેવભૂમિ દ્વારકાના મોટાભાગના પંથકોમાં ધોધમાર અતિભારે વરસાદ વરસ્યો છે. જેને કારણે સલાયા, ગોઇંજ, બારા, ચૂડેશ્વરને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જેને કારણે લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી છે. ત્યારે સામે પાર જવા માટે લોકોને હાલાકી
વેઠવાનો વારો આવ્યો છે.
ગાંગડીયા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ
અમરેલી અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદની સ્થિતિને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લાઠી પંથકમાં ઘોઘમાર વરસાદના કારણે ગાંગડીયા નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.

નડીયાદ- અમદાવાદને જોડતો હાઇવે બંધ કરાયો
ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે શેઢી નદી બે કાંઠે વહી છે. શેઢી નદીના પાણી હાઇવે પર ફરી વળતા નડીયાદ- અમદાવાદને જોડતો હાઇવે બંધ કરાયો છે. નડીયાદથી મહેમદાવાદ થઈ અમદાવાદને જોડતો સ્ટેટ હાઇવે બંધ થયો. શેઢી નદીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા 10 ગામો સંપર્ક વિહોણા થયા છે.

બામણબોર નજીક રાજકોટ-અમદાવાદ હાઇવેનો રોડ ઉપસી આવ્યો
ભારે વરસાદને પગલે બામણબોર નજીક રાજકોટ-અમદાવાદ હાઇવેનો માર્ગ ઉપસી આવ્યો છે. ધોધમાર વરસાદને પગલે હાઇવે રોડને મોટું નુકસાન પહોંચ્યું છે. જેના કારણે લેન્ડ સ્લાઈડિંગની ઘટનાને પગલે વાહનો અથડાવાની ભીતિ સેવાઇ રહી છે.

મંદિર પાણીમાં ગરકાવ
જામનગર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે નાગેશ્વર વિસ્તારમાં આવેલું સિદ્ધનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. મંદિર પરિસરમાં ૮ ફૂટ સુધી પાણી ઘૂસી ગયા હતા.

