ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા ભાજપના ભારે વિરોધ વચ્ચે કોંગ્રેસે ખેલ્યું ‘ક્ષત્રિય કાર્ડ’, અમિત ચાવડાએ કર્યો મોટો દાવો

રાજકોટ બેઠકના ભાજપના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના અપમાનનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. બીજી તરફ હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ ક્ષત્રિય કાર્ડ રમ્યું છે.
આણંદથી લોકસભા ચૂંટણી લડતા અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું કે ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમણે જ મળશે. અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પણ છે. આણંદની બેઠક પર અમિત ચાવડાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ મિતેષ પટેલ સામે છે. પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા મિતેષ પટેલને રિપીટ કર્યા છે તો બીજી તરફ કોંગ્રેસે આણંદ બેઠક પર કબ્જો કરવા માટે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.
મને પ્રથમ આશીર્વાદ મળશે
અમિત ચાવડાએ આણંદમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું, “ભગવાન શ્રીરામ ક્ષત્રિય કૂળના હતા, અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે. એવામાં ભગવાન રામનો સૌથી પહેલા આશીર્વાદ જો કોઇને મળશે તો તે અમિત ચાવડાને મળશે.”
ગુજરાતમાં કોંગ્રેસ બે લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી. કોંગ્રેસનો પ્રયાસ છે કે રાજ્યમાં ભાજપને ક્લીન સ્વીપ કરતા રોકવામાં આવશે. એક તરફ ક્ષત્રિય સમાજ ભાજપના કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પર ઉમેદવારી પરત લેવાની માંગ કરી રહ્યું છે તો હવે કોંગ્રેસના સીનિયર નેતાએ ચૂંટણીમાં ભગવાન રામની એન્ટ્રી કરાવતા ક્ષત્રિય કાર્ડ રમ્યું છે.
હજુ સુધી ચૂંટણી હાર્યા નથી અમિત ચાવડા
47 વર્ષના અમિત ચાવડા આણંદ જિલ્લાના આંકલાવના રહેવાસી છે. 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીતેલા અમિત ચાવડા હજુ સુધી કોઇ પણ ચૂંટણી હાર્યા નથી. તે 2004માં પ્રથમ વખત જીતીને ધારાસભ્ય બન્યા હતા. તે બાદથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટણી જીતી ચુક્યા છે. આ સાથે જ અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
કોંગ્રેસનો ગઢ રહી છે આણંદ બેઠક
2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠક પર જીત મળી હતી. કોંગ્રેસે 2024ની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર મોટો દાંવ રમ્યો છે જેમાં આણંદની બેઠક પણ સામેલ છે. આણંદની બેઠક પર હજુ સુધી કોંગ્રેસે 11 અને ભાજપે ચાર વખત જીત મેળવી છે. કોંગ્રેસને અંતિમ વખત આ બેઠક પર 2009માં જીત મળી હતી ત્યારે પાર્ટીના નેતા ભરતસિંહ સોલંકી સતત બીજી વખત ચૂંટાયા હતા.

