રાજ્યના જુદા જુદા જિલ્લામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન, રસ્તાઓ પર સર્જાયો દેશભક્તિનો માહોલ

આગામી 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વને લઇ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં 9મી ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. આજે ( 12મી ઓગસ્ટે) સમગ્ર રાજયમાં દેશભક્તિના નારા સાથે સામાન્ય નાગરિકો સહીત રાજકીય આગેવાનો દ્વારા લોકોમાં દેશભક્તિ જગાડવા તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું. જુદા જુદા સ્થળોએ લોકોએ પગપાળા અને બાઈક રેલી સ્વરૂપે યાત્રા કાઢતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ 'જય હિન્દ' અને 'શહીદ અમર રહો' ના બુલંદ નારા લગાવ્યા હતા.
રાજ્યમાં અલગ અલગ શહેરોમાં 9મી ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થતા રાજકોટમાં પણ આજે મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના બહુમાળી ચોક ખાતેથી તિરંગા યાત્રા શરુ થઇ જયુબેલી બાગ ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ જામનગરવાસીઓ ઉમંગભેર જોડાયા હતા. યાત્રાનો પ્રારંભ સવારે ૮:૦૦ વાગ્યે રણમલ તળાવના ગેટ નં. ૧ થી થયો હતો. આ યાત્રા રણમલ તળાવથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્ટેચ્યુ અને મયુર મેડિકલ થઈને રણજીતનગર ખાતેની સરદાર પટેલની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી.
છોટાઉદેપુરમાં આજે સવારે જિલ્લા સેવા સદનથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, એસપી ઈમ્તિયાઝ શેખ, ડીડીઓ સચિન કુમાર સહિત અન્ય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. યાત્રા મહિલા પોલીસ સ્ટેશન, બજાર, કસ્બા ચોકડી, માણેક ચોક અને પેટ્રોલ પંપ ચોકડી થઈને એસ એફ હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈને દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
બોટાદ જિલ્લામાં પણ બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું બોટાદ જિલ્લા વહીવટી વિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિધાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગામથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ, પોલીસના અશ્વદળ, શહેરની વિવિધ શાળાના શહેરની સંસ્થાઓ તથા બાવાગોરના સિદ્દીકી સમાજના લોકનૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સાવરકુંડલા શહેરની તિરંગા યાત્રા કાણાકીય કોલેજથી શરૂ થઈ અને નગરપાલિકા ગ્રાઉન્ડમાં પૂર્ણ કરાઈ હતી. શહેરના મુખ્ય વિસ્તારોમાં તિરંગા અને રાષ્ટ્રગીત સાથે યાત્રા નીકળી હતી. તિરંગાયાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો પણ તિરંગાયાત્રામાં કોઈ મોટા નેતા કે નગરજનોની ઉપસ્થિતિ જોવા મળી નહોતી.
બીએસએફ સેક્ટર હેડક્વાટર કોડકી રોડ ભુજ ખાતેથી તિરંગા યાત્રા અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. 10 કિલોમીટર સુધી બીએસએફ જવાનોએ સાયકલિંગ કરી હતી. શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી સાયકલ પર તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં કચ્છ બીએસએફ ડીઆઇજી અનંત સિંઘ સહિત બીએસએફ અધિકારી અને જવાનો જોડાયા હતા.
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. બગસરા મેઘાણી હાઈસ્કૂલથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રાનુ આયોજન કરાયું હતું. તિરંગા યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇ પટેલ વાડી પાસે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફૂલહાર કર્યા બાદ તિરંગા યાત્રા પૂર્ણ થઇ હતી. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિત વિદ્યાર્થીઓ અને અધિકારીઓ જોડાયા હતા.
એલ.એસ.હાઇસ્કુલ, સિદ્ધપુર મુકામે તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, બાળકો વગેરે જોડાયા હતા.

