Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : Alarming news from Gir forest, the stronghold of Asiatic lions, 17 lions isolated due to canine distemper virus

એશિયાટિક સિંહોના ગઢ ગીરના જંગલમાંથી ચિંતાજનક સમાચાર, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને લઈ 17 સિંહો આઇસોલેટ કરાયા

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
એશિયાટિક સિંહોના ગઢ ગીરના જંગલમાંથી ચિંતાજનક સમાચાર, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસને લઈ 17 સિંહો આઇસોલેટ કરાયા
સોર્સ : gstv

ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોના ગઢ ગીરના જંગલમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગીરમાં CDV (કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ) ના શંકાસ્પદ પ્રકોપ અને સિંહોના સતત થઈ રહેલા મોતના પગલે વન વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં 4 સિંહબાળના કરુણ મોત નીપજતાં રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.

App Store

આ ગંભીર પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યારે વડાપ્રધાન કાર્યાલય (PMO)ની પણ આ મામલે સતત નજર રાખી રહ્યું છે. ગીરમાં સિંહબાળના મૃત્યુના પગલે વન વિભાગે સિંહના વેક્સીનેશનની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત વિભાગ દ્વારા ડી ટીકિંગનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું  છે.

17 સિંહો આઇસોલેટ કરાયા

જુદા જુદા વિસ્તારોમાં 4 સિંહબાળના મોત અંગે મુખ્યમંત્રીએ વન પર્યાવરણ અગ્ર સચિવ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ શરૂ કરાયું છે. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારોમાં પણ વન વિભાગ દ્વારા સિંહોનું દૈનિક નિરીક્ષણ કરી અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે.

ગાંધીનગરની હાઇપાવર ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચી

મુખ્યમંત્રીની બેઠક બાદ વન વિભાગની સર્વોચ્ચ ટીમ તાબડતોબ ગીર ખાતે દોડી ગઈ હતી. ગાંધીનગરથી PCCF, CCF અને સિનિયર એનિમલ ડોક્ટર્સ સહિતનો કાફલો ગીર પૂર્વ અને પશ્ચિમ બોર્ડર પર તપાસ માટે પહોંચ્યો છે. આ ટીમે જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ આઇસોલેશનમાં રાખેલા સિંહોના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી. જોકે, મામલો ખૂબ સંવેદનશીલ હોવાથી હાલ અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

વનમંત્રી અર્જુન મોઢવાડિયાની સ્પષ્ટતા

આ ગંભીર સ્થિતિ અંગે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, "આ મામલે વડાપ્રધાને પણ વ્યક્તિગત નોંધ લીધી છે અને PMO તરફથી સતત માર્ગદર્શન મળી રહ્યું છે. મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ લઈને તપાસ અર્થે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ દિવસોમાં ફેલાતો બેબીસીઆર (Babesia) વાયરસ 'ઇતરડી' નામની જીવાતથી ફેલાય છે. આથી સલામતીના ભાગરૂપે ગીર વિસ્તારના 350 થી વધુ સિંહોના ડી-ટીકિંગ (ઇતરડી નાશ કરવાની કામગીરી) અને વેક્સિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે."

નિષ્ણાંત તબીબોની ટીમ તૈનાત

સિંહોને બચાવવાના આ મહાઅભિયાનમાં સેન્ચુરી વિભાગની સાથે-સાથે જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબોની ટીમ પણ જોડાઈ છે. હાલ સંક્રમિત સિંહોના લક્ષણો જોઈને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલુ છે.