ગુજરાત સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડની રાહત પેકેજની જાહેરાત કરી

Gandhinagar news: ગુજરાત સરકારે 10 હજાર કરોડની કમોસમીથી થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાતના ખેડૂતોને માવઠાના માર બાદ થયેલા વ્યાપક નુકસાન સામે ભૂપેન્દ્ર પટેલ સરકારે રૂપિયા 10 હજાર કરોડની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કૃષિમંત્રી અને નાણામંત્રી ચર્ચા કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે.
125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના: કૃષિ મંત્રી
કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદી થશે અને જરૂર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે. 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્યની સરકારે આપી છે. કેન્દ્રનાં નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી. ભારત સરકારે મગફળીના ભાવ, મગના ભાવની ખરીદીમાં વધારો કર્યો છે. ભારત સરકાર નિયમ પ્રમાણે 25 % ની ખરીદીની જોગવાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સપ્રમાણમાં ખરીદી કરી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરશે. જ્યારે રાહત પેકેજ માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
7263 રૂ. પ્રતિ ક્વિન્ટન કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી, અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી. આ વખતે 9.5 લાખ મગફળીનું વાવેતર છે અને ગત વર્ષની સરખામણીએ ઓછું હતું. તેમણે જણાવ્યું કે આગમી સમયમાં જરૂરી પરિપત્રો કરવામાં આવશે. કમોસમી વરસાદના નુકસાનને જોતા નિયમો મુજબ જ ખરીદી થશે.
2024માં ગુજરાત સરકારે કેન્દ્રને અતિવૃષ્ટિનો અહેવાલ જ મોકલ્યો નહીં
31મી ઓક્ટોબર, 2024માં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યુ હતું. નવાઇની વાત એ છે કે, ખુદ રાજ્યસભામાં કેન્દ્રએ ખુલાસો કર્યો કે, ગુજરાત સરકારે અતિવૃષ્ટિનો કોઇ અહેવાલ જ મોકલ્યો નથી. આ જોતાં સહાય આપવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. 31 ઓક્ટોબર સુધીમાં અહેવાલ મોકલવાનો હોય છે પણ સરકારે તસદી જ લીધી નહીં.
પાક વિમા યોજના અમલમાં મૂકવા માગ
વર્ષ 2019માં રાજ્ય સરકારે રૂ. 3750 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ હતું. પણ તે વખતે પાક વિમા યોજના અમલમાં હતી પરિણામે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનો આર્થિક ફાયદો પહોંચ્યો હતો. ખેડૂતોનું કહેવુ છે કે, આ વખતે ભલે સરકાર કરોડોનું પેકેજ જાહેર કરે પણ પાક વિમા યોજના બંધ કરાઇ છે ત્યારે માત્ર સહાયનો જ લાભ મળશે તે અપૂરતુ સાબિત થશે. ખેડૂતોની આર્થિક ખોટ સહાયથી સરભર થાય તેમ નથી. આ કારણોસર ખેડૂતોમાં અસંતોષ ભભૂકશે તેમાં બે મત નથી.

