Gujarat news: 9 નવરચિત મનપાનું સીમાંકન જાહેર, દરેક નવી મહાનગરપાલિકામાં 13 વોર્ડ, 52 બેઠકો

નવરચિત મહાનગરપાલિકાનું સિમાંકન જાહેર કરાયું છે, ત્યારે દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 13 વોર્ડ અને 52 બેઠકો હશે. તમામ બેઠકોમાં 50 ટકા બેઠકો એટલે કે 26 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. 26 ટકા બેઠકો (24 બેઠકો) પછાત-OBC માટે અનામત રાખવામાં આવશે.
ચાલુ વર્ષે જ રાજ્ય સરકારે નવ મહાનગરપાલિકાને મંજૂરી આપી
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જ રાજ્ય સરકારે નવ મહાનગરપાલિકાને મંજૂરી આપી હતી. ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી જીલ્લા કલેક્ટરને વહિવટકર્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. નવા સિમાંકન પગલે આગામી નવેમ્બર-ડિસેમ્બર 2025માં નવરચિત મહાનગરપાલિકાઓમાં ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ માટે બધા રાજકીય પક્ષોએ અત્યારથી જ વાઘા સજાવી લીધાં છે.
નવા સિમાંકન મુજબ કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકામાં કિડાણા, ગળપાદર, અંતરજળ, શિણાય, મેઘપર-બોરીચી-કુંભાપડી પંચાયતોને ભેળવી દેવામાં આવી છે. જ્યારે વાપરા, લીલાપરા, અમરેલી, નાની વાવડી, ભડિયાદ, માધાપર અને મહેન્દ્રનગર ગ્રામ પંચાયતોને મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરી દેવામાં આવી છે.
દરેક નવી મહાનગરપાલિકામાં 13 વોર્ડ, 52 બેઠકો
મહેસાણા નગરપાલિકામાં પણ ફતેપુર, રામોસણા, ડેડિયાસણ, પાલાવાસણા, હેડુવા, લાખવડ પંચાયત વિસ્તારને સમાવી લેવાયો છે. કરમસદપાલિકા, મોગરી જીટોડિયા, ગામડી અને મોગરી જીટોડિયા, ગામડી અને લાંભવેલ પંચાયતોને ભેળવી આણંદ મહાનગરપાલિકાને ઓપ અપાયો છે. પોરબંદરમાં નવાણા, રતનપર, ઝાવર, દિગ્વિજયગઢને ભેળવી દેવાયા છે. જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ખમીસણા, ખેરાળી, મૂળચંદ, ચમારજ, પંચાયતને સમાવી લેવામાં આવી છે. યોગીનગર, પીપલગ,ડુમરાલ ,ફતેપુરા, કમલા માંજીપુરા, ડભાણને નડિયાદ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવી છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરનું નવુ સીમાંકન થશે
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર મહાનગરપાલિકાનું પણ નવું સિમાંકન કરવા સરકાર કવાયત હાથ ધરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જે રીતે આ બધાય શહેરોનો દિનપ્રતિદીન વિકાસ થઈ રહ્યો છે. વિસ્તાર અને વસ્તી બન્ને વધી રહી છે. પરિણામે આઠેય મહાનગરપાલિકાનું પણ નવુ સીમાંકન થશે તો વોર્ડ અને કોર્પોરેટરની સંખ્યા વધશે.
આણંદ મહાનગરપાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા તરીકે ઓળખાશે
રાજ્યમાં નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. સરકારે કેબિનેટમાં આણંદ મહાનગરપાલિકા હવે કરમસદ-આણંદ મહાનગરપાલિકા તરીકે નામાભિધાવ કરવા ઠરાવ પસાર કર્યો હતો.

