ગુજરાત સરકારે અગ્નિવીરોને મોટી ભેટ આપી, આર્મ્ડ પોલીસ અને SRPમાં પ્રાથમિકતા અપાશે

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ બાદ ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર સરકારે પણ અગ્નિવીરોને મોટી ભેટ આપી છે. અગ્નિવીરની સેવા પૂરી થયા બાદ રાજ્ય સરકાર તેમને આર્મ્ડ પોલીસ અને એસઆરપીમાં પ્રાથમિકતા આપશે. આ અંગેની જાણકારી ખુદ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને આપી છે.
આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગ્નિવીરોને મોટી ભેટ આપી હતી. સીએમ યોગીએ કહ્યું કે અગ્નિવીરની સેવા પૂરી થયા બાદ રાજ્ય સરકાર તેમને યુપી પોલીસ અને પીએસીમાં પ્રાથમિકતા આપશે. આ દરમિયાન સીએમ યોગીએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું કે અગ્નિવીર ખૂબ જ સારી યોજના છે પરંતુ કેટલાક રાજકીય પક્ષો તેના પર રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે પણ પોલીસ અને રાજ્યના સશસ્ત્ર દળોમાં અગ્નિવીર જવાનોને અનામત આપવાની જાહેરાત કરી હતી. સીએમ મોહન યાદવે કહ્યું કે, 'આજે કારગિલ દિવસના અવસર પર અમારી સરકારે નિર્ણય લીધો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા મુજબ અગ્નિવીર સૈનિકોને પોલીસ અને સશસ્ત્ર દળોની ભરતીમાં અનામત આપવામાં આવશે.'

