ગાંધીનગર મહાનગરપાલિકા થઈ કોંગ્રેસ મૂક્ત, બે કોર્પોરેટરે આપ્યાં રાજીનામા

ગુજરાતમાં લોકસભા ચૂંટણી-2024 અને 5 બેઠકો પર વિધાનસભા પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. એ પહેલા ગાંધીનગરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મૂક્ત થઈ છે. કોંગ્રેસ પાસે ગાંધીનગર મહાનગરપાલિકામાં સમ ખાવા પૂરતા બે કોર્પોરેટર હતા, આજે 28 માર્ચે બંનેએ રાજીનામા આપી દેતા ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર તેમજ વિપક્ષ નેતા અંકિત અશ્વિનકુમાર બારોટ અને કોર્પોરેટર ગજેન્દ્રસિંહ કનુભા વાઘેલાએ કોર્પોરેટર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી રાજીનામા આપ્યાં છે તેમજ તમામ જવાબદારીમાંથી પોતાને મુક્ત કરી દીધા છે. બંનેએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામા લખ્યાં છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 44 કોર્પોરેટર છે, જેમાં 41 ભાજપના, 2 કોંગ્રેસના અને એક AAPનો કોર્પોરેટર છે. હવે 2 કોંગ્રેસ કોર્પોરેટરે રાજીનામા આપતા વિપક્ષમાં AAPનો એક જ કોર્પોરેટર બચ્યો છે, હવે એ રાજીનામું આપે તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇતિહાસ સર્જાશે અને GMC વિપક્ષમુક્ત થઈ જશે.
જો આવું થશે તો કદાચ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દેશમાં પહેલી એવી મહાનગરપાલિકા બનશે જેમાં વિપક્ષની અસ્તિત્વ જ નહીં હોય.

