નલ સે જલ યોજનામાં મોટું કૌભાંડ, 6 જિલ્લામાં ભ્રષ્ટાચારની 18 ફરિયાદથી મચ્યો ખળભળાટ

નલ સે જલ' યોજના થકી ઘરે-ઘરે નળના માધ્યમથી શુદ્ધ પીવાનું પાણી મળી ગયા તેવા વચન વાયદા કરવામાં આવી રહ્યાં છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, નળ તો લાગ્યાં છે પણ લોકો શુદ્ધ પાણીની વાટ જોઈ રહ્યાં છે. મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી ત્યાં 'નલ સે જલ' યોજનામાં પણ ગેરરીતી-ગોટાળા થયા છે તેવુ ખુદ સરકારે સ્વીકાર્યુ છે. ખેડા સહિત અન્ય છ જિલ્લામાં 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો છે જેની કુલ મળીને 18 ફરિયાદો નોંધાઈ છે.
'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર?
'નલ સે જલ' યોજનામાં ગુજરાતે સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે. એટલુ જ નહીં, 91,18,415 ઘર સુધી નળમાં પાણી પહોચ્યું છે તેવો સરકારે દાવો કર્યો છે. પણ હકીકતમાં એવું થયું નથી. પછાત-આદિવાસી વિસ્તારોમાં નળ તો લગાડી દેવાયાં છે પણ હજુ શુદ્ધ પાણી પહોંચ્યું નથી. મનરેગા કૌભાંડે તો સરકારની આબરુ ઘૂળધાણી કરી છે ત્યારે હવે 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરાઇ હોવાની વાત બહાર આવી છે.
18 ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નહીં
મનરેગા બાદ 'નલ સે જલ' યોજના પણ ભ્રષ્ટ અધિકારી અને મળતિયા કોન્ટ્રાક્ટર માટે મલાઇ તારવાની યોજના બની રહી હતી. કેમકે, આ યોજનામાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં 3, ખેડામાં 4, મહેસાણામાં 1, બોટાદમાં 3, ગીર સોમનાથમાં 5 અને જૂનાગઢ જિલ્લામાં 2 એમ કુલ મળીને 18 ફરિયાદો થઈ છે. આ ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે, 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે. હાલ તપાસના નામે બધુ ડિંડક ચાલી રહ્યુ છે. કેમ કે, જે રીતે મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રો સહિત અન્ય કસૂરવારો પણ જેલમાંથી છૂટી ગયા છે. આ જોતાં 'નલ સે જલ' યોજના કૌભાંડમાં પણ કોઈને ઉની આંચ આવે તેમ લાગતુ નથી. હકીકતમાં આ પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરાય તો રેલો અન્ય જિલ્લામાં પહોંચી શકે તેમ છે.

