VIDEO: નેપાળની તારાજીમાં 18 ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારજનો ટેન્શનમાં
નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસ અર્થે ગયેલા કુલ 18 ગુજરાતીઓ ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરાવી છે. અમદાવાદ, સુરત, ખેડા-નડિયાદ, ગાંધીનગરમાંના ત્રણ-ત્રણ, આણંદ અને વડોદરા જિલ્લાના બે-બે પ્રવાસીઓ સંપર્ક વિહોણા છે. જ્યારે રાજકોટ અને વલસાડના એક-એક પ્રવાસીનો સંપર્ક થઈ શક્યો નથી. પૂરથી પ્રભાવિત થયેલા નાગરિકો અને તેમના ચિંતિત પરિવારજનો તાત્કાલિક સહાય અને માહિતી મેળવવા માટે રાજ્ય કન્ટ્રોલ રૂપનો સંપર્ક કરી શકાશે. જ્યારે 1077 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે.

