સુરતની હીરા ફેક્ટરીના 15 હજાર કર્મચારીઓના ભાવિ અધ્ધરતાલ, માલિક 5 મહિનાથી કોમામાં જતા નિર્ણય

સુરતની મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી 3થી 4 મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે. જેમાં કર્મચારીઓ, મેનેજર કોમ્પ્યુટર સ્ટાફ સહિતને નવી જગ્યાએ કામ શોધવા માટે સુચના આપવામાં આવી છે.સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરા (લખાણી)ને 4થી 5 મહિના પહેલાં મગજની નળી ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષમાં કોઈ પાર્ટનર ન હતા અને કંપની એકલા હાથે ચલાવતા હતા. સુરત, ભાવનગર, લાઠી સહિત અલગ અલગ જગ્યાઓ પર નાની મોટી મળીને 100થી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડની ફેક્ટરીઓ કાર્યરત હતી.
4 મહિના કંપની બંધ રાખવા જાહેરાત
આ ઉપરાંત વિશ્વના અલગ અલગ 10 દેશોમાં મારૂતિ ઈમ્પેક્ષની ઓફિસ પણ કાર્યરત હતી. તમામ જગ્યાઓ મળીને અંદાજીત 15 હજાર કર્મચારીઓ મારૂતિ ઈમ્પેક્ષમાં કામ કરતાં હતાં. દિવાળી પહેલાં સુરેશ ભોજપરા કોમામાં જતા રહ્યા હતાં, સામી દિવાળીએ જ કર્મચારીઓ કામ વિહોણા ન બને તે માટે તેમના નજીકના સંબંધીઓ દ્વારા ફેક્ટરી ચલાવાવમાં આવતી હતી. પરંતુ હવે હાલ પુરતી કંપની 3થી 4 મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
ઓડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં એક ઓડિયો મેસેજ પણ વાયરલ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓ, મેનેજર, કોમ્પ્યુટર, સહિતના સ્ટાફ અન્ય જગ્યા પર કામ શોધી લે. હાલ પુરતી 3થી 4 મહિના મારૂતિ ઈમ્પેક્ષ કંપની બંધ રહેશે. જો શરૂ થશે તો ફરી તમને જાણ કરવામાં આવશે. હાલ સિક્યોરીટી સિવાય તમામ 15 હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે.
હાલ પુરતી કંપની બંધ રાખવા નિર્ણય લેવાયો
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, સુરેશભાઈ ભોજપરાની તબિયત નાદુરસ્ત છે, તેમને 4થી 5 મહિના પહેલાં બ્રેઈનસ્ટ્રોક આવ્યો હતો. પરંતુ દિવાળી નજીક હતી એટલા માટે કંપની શરૂ રાખી હતી. હાલ પુરતી કંપનીને બંધ રાખાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.

