Dwarka news: સલાયામાં ધોળે દા'ડે લૂંટની ઘટના, વેપારી પાસેથી 7 લાખ રોકડ ભરેલો થેલો ઝૂંટવી લૂંટારુઓ ફરાર
ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં એક ગંભીર લૂંટની ઘટના સામે આવી છે, જેમાં મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા એક વેપારીને નિશાન બનાવીને ધોળા દિવસે ₹7 લાખની રોકડની લૂંટ કરવામાં આવી છે. વેપારી પોતાની રોકડ રકમ ભરેલો થેલો લઈને દુકાનનું લોક ખોલી રહ્યા હતા. તે જ સમયે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા લૂંટારાઓએ વેપારીને આંતરીને તેમની પાસેથી આશરે ₹7 લાખ રોકડા ભરેલો થેલો ઝુંટવી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ દ્વારા લૂંટારાઓને ઝડપી પાડવા તજવીજ
ઘટના બાદ સમગ્ર સલાયા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને વેપારીએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તુરંત જ ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવીને સલાયા અને આસપાસના તમામ સંભવિત માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવવાનો આદેશ આપ્યો હતો. પોલીસ દ્વારા લૂંટારાઓને ઝડપી પાડવા માટે તપાસને તેજ કરવામાં આવી છે. હાલમાં, આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓની ઓળખ કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

