Video: સલાયાના માલવાહક વહાણમાં સોમાલિયાના બંદરે લાગી ભીષણ આગ, તમામ ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું “ફૈઝે મહેબુબ મોહયુદીન” નામનું માલવાહક વહાણ સોમાલિયાના બોસાસો બંદરે અચાનક ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું. દુબઇથી જનરલ કાર્ગો લઈને ગયેલું આ વહાણ આગથી ભારે નુકસાનગ્રસ્ત બન્યું છે. સદનસીબે આગ લાગતાની સાથે તમામ ક્રૂ મેમ્બરો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક સત્તાવાળાઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
તમામ ક્રૂ મેમ્બરોનો આબાદ બચાવ
આ અકસ્માતમાં વહાણને ભારે નુકસાન થયું છે, પરંતુ રાહતના સમાચાર એ છે કે વહાણ પર સવાર તમામ ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે. મળતી માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું “ફૈઝે મહેબુબ મોહયુદીન” (રજિસ્ટ્રેશન નં: BDI-1421) નામનું વહાણ દુબઇથી જનરલ કાર્ગો ભરીને બોસાસો તરફ રવાના થયું હતું. બોસાસો બંદર પર પહોંચ્યા બાદ કોઈ અગમ્ય કારણોસર વહાણમાં એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વહાણ ભયાનક રીતે સળગી ઉઠ્યું હતું.આ વહાણ સલાયાના સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે.

