VIDEO: વરસાદ ખેંચાતા દેવભૂમિ દ્વારકામાં ઊભો પાક સુકાયો અને ઘાસચારાની અછત!
સોર્સ : gstv
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અડધું ચોમાસું વીતી જવા છતાં પૂરતો વરસાદ ન પડતાં ખેતી અને પશુપાલન પર ભારે સંકટના વાદળો ઘેરાયા છે. સિંચાઈ અને પીવાના પાણીની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના મોવાણ, વિંજલપર, જુવાનગઢ સહિત ૨૦થી વધુ ગામોના ખેડૂતો, માલધારીઓ અને સરપંચોએ મોવાણ ગામે એક મહત્ત્વની બેઠક યોજી હતી. વરસાદના અભાવે ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત ઊભી થતાં ગ્રામીણ જનજીવન ભારે હાલાકીમાં મુકાયું છે. આગેવાનોએ એકસૂરે સરકાર સમક્ષ સૌની યોજના મારફતે નર્મદાનું પાણી તાત્કાલિક કેનાલોમાં છોડવાની આક્રમક માંગ કરી છે. જો સમયસર પાણી પૂરું પાડવામાં નહીં આવે તો દ્વારકા પંથકના ખેડૂતો અને પશુપાલકોને મસમોટું આર્થિક નુકસાન વેઠવાની નોબત આવશે.

