Video: 'DDO મનસ્વી રીતે વહીવટ ચલાવે છે', વનમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ ધારાસભ્યનાં ગંભીર આક્ષેપ
ઝાલોદના ભાજપ ધારાસભ્યએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં જિલ્લા પંચાયતની વહીવટી પાંખ સામે સણસણતા આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો પ્રભારી મંત્રીની બેઠક દરમ્યાન કરાયા હતા અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
DDO મનસ્વી વહીવટ ચલાવી રહ્યા છે: ભાજપ ધારાસભ્ય
દાહોદમાં પ્રભારી મંત્રીની બેઠક દરમિયાન ગરમાગરમી જોવા મળી હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં ઝાલોદના ભાજપ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ અધિકારીઓની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. ધારાસભ્યે જણાવ્યું કે DDO મનસ્વી વહીવટ ચલાવી રહ્યા છે. જિલ્લામાં મનરેગા સહિતના કામો ન થતા હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે મનરેગા હેઠળ કુવાના કામ પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર આપવામાં આવ્યા છે અને મહત્વની સંકલન બેઠકમાં પણ ગેરહાજરી રહે છે. આ મામલે પંચમહાલ પ્રભારી મંત્રી રમેશ કટારાએ સ્પષ્ટતા કરી કે પદાધિકારી–અધિકારીઓ સંકલનથી કામ કરે એ શુભેચ્છા રૂપે કહેવાયું છે.

