DAHOD : દૂધીમતી નદીના પટમાંથી મળી આવ્યો પાંચ દિવસ પહેલા ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ

Dahod News : દાહોદ શહેરમાંથી પાંચ દિવસ પહેલા ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ દૂધીમતી નદીના પટમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકના પરિવારજનોને સ્થળ પર બોલાવ્યા હતા.
વૃદ્ધે આપઘાત કર્યો કે કોઈએ હત્યા કરી?
દાહોદમાં રહેતા રજનીકાંત રસિકલાલ મોઢીયા નામના વૃદ્ધ પાંચ દિવસ પહેલા ગમ થયા હતા. તેમના પરિવારે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આજે ગુમ થયેલા વૃદ્ધનો મૃતદેહ દૂધીમતી નદીના પટમાંથી મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતક વૃદ્ધના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યા હતા. મૃતદેહની ઓળખ થયા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ ઘટનામાં વૃદ્ધે આપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

