VIDEO: વડોદરા- મધ્યપ્રદેશના ટાંડા રોડ વચ્ચે નવી પેસેન્જર ટ્રેનનો પ્રારંભ, આદિવાસી વિસ્તારોની કનેક્ટિવિટી વધશે
વડોદરામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ₹35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા અને મધ્યપ્રદેશના ટાંડા રોડ વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ છોટાઉદેપુર-ધાર રેલવે પ્રોજેક્ટના ભાગરૂપે જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે. આ નવી રેલવે કનેક્ટિવિટી ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
સમગ્ર આદિવાસી પટ્ટામાં ઉત્સાહનો માહોલ
આ ઐતિહાસિક પ્રસંગને લઈને છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
નવી ટ્રેન સેવા શરૂ થતાં છોટાઉદેપુર સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોને સીધી અને વધુ સુગમ રેલવે કનેક્ટિવિટી મળતાં શિક્ષણ, રોજગાર, વેપાર અને આવાગમનની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

