Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : reality of Gujarat's development! Due to lack of roads

VIDEO: સરકાર... આ જુઓ તમારો વિકાસ! ઝોળીમાં લઈ જવાતી પ્રસૂતાની રસ્તામાં જ ડિલિવરી બાદ મોત

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2024
લાઇવ ટીવીGoogle News

ગુજરાતના વિકાસના મોડેલની વરવી વાસ્તવિકતા કહો કે તમતમાતો તમાચો..વિકાસના ફૂંકાતા બણગા વચ્ચે સામે આવેલી વાસ્તવિકતા ધ્રજાવી દે તેવી છે. છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતા રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. નવજાત બાળકીનો જન્મ થયો. પરંતુ, સમયસર સારવાર ન મળતાં પ્રસૂતાનું મોત થયું હતું. 

App Store

પ્રાથમિક સુવિધાનો અભાવ

દેશ આઝાદ થયા ને 77 વર્ષ વીતી ચૂક્યા છે. વિશ્વફલક ઉપર ગુજરાતને વિકાસના મોડેલ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. પણ આ જ વિકાસ મોડેલ એવા ગુજરાતમાં એવા પણ વિસ્તારો છે. જ્યા વસતા લોકો જાણે 18મી સદીમાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારમાં કુદરતના ખોળામાં વસેલા તુરખેડા ગામની એક પ્રસુતાને રસ્તાના અભાવે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગામમા આવવા જવા માટે કોઈ જ આંતરિક પાકા રસ્તાઓ નથી. રસ્તા જ ન હોય ત્યારે સ્વાભાવિક છે કે, અન્ય ભૌતિક સુવિધાઓની તો વાત જ ન થાય. 

પાંચ કિલોમીટર ઉંચકીને જવું પડે

ગામમાં કોઈપણ બીમાર પડે કે, કોઈ સગર્ભાને આરોગ્ય લક્ષી સારવારની જરૂર પડે તો તેને ગામ લોકો એક લાકડા ઉપર ઝોળી બનાવી તેમાં સુવડાવી અને ઊંચકીને ચાલીને પાંચ કિલોમીટર સુધી લઈ જાય અને ત્યાર બાદ કોઈ વાહનની સુવિધા મળે ત્યારે લઈ જતા હોય છે.  તુરખેડા ગામના બસકરિયા ફળિયાની એક સગર્ભા માહિલાને વહેલી સવારે પાંચ વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડતા તેને સારવારની જરૂરિયાત ઉભી થઇ હતી. પ્રસૂતિની પીડાથી કણસતી સગર્ભાની તબિયત પણ લથડી રહી હતી. ગામમાંથી સગર્ભાને કોઈ વાહનમાં લઇ જાય તો કેવી રીતે લઇ જાય. કેમ કે આવવા જવા માટે પાકો રસ્તો જ ન હોતો અને મોબાઈલ નેટવર્ક પણ નહીં. તેવામાં ન તો 108ને કોલ કરી શકાય ના તો રસ્તાના અભાવે 108 આવી શકે.

મહિલાનું સારવારના અભાવે મોત

જેથી પરિવારજનો મહિલાને ઝોળીમા નાંખી હોસ્પિટલ લઇ જવા નિકળ્યા હતા.પાંચ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપે તે દરમિયાન જ રસ્તામાં મહિલાને પ્રસુતિ થઈ ગઈ અને તેણે એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ મહિલાની તબિયત એટલી લથડી ગઈ કે તાત્કાલિક સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હતું.જન્મતાની સાથે જ નવજાત બાળકીએ માતાની હૂંફ ગુમાવી દીધી હતી.

સુવિધાના નામે દુવિધા

ગામની આવી બદતર સ્થિતિ ને લઈ આજે પણ તુરખેડા ગામના લોકો 18મી સદીમાં જીવતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. આવી રીતે ભૂતકાળમાં પણ અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ સ્થિતિ ન માત્ર તુરખેડા ગામની છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ, નસવાડી અને છોટાઉદેપુર તાલુકામાં આવા અનેક ગામ છે. અનેક વિસ્તાર છે. જ્યાં વર્ષોથી આ સ્થિતિ છે. આવા અંતરિયાળ અને  ડુંગરાળ વિસ્તાર જેવી ભૌગોલિક સ્થિતિ સુધરે તે માટે પંથકના લોકો દ્વારા  વારંવાર રજૂઆતો કરવા છતાં તેમના પ્રત્યે સેવાતી દુર્લક્ષતાના કારણે આજે પણ તેમની સ્થિતિ યથાવત છે.