સંખેડાની નદી કિનારે મંદિરની પ્રોટેક્શન વોલ બનાવવા આંદોલન, બંધને વેપારીઓએ આપ્યું સમર્થન બજારો સજ્જડ બંધ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના બજારો સંપૂર્ણ પણે બંધ તંત્ર દ્વારા અર્જુન નાથ મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ બે વર્ષથી ન બનાવતા શિવભકતોએ બંધનું એલાન આપ્યું હતું. જેમાં ભારે સફળતા મળી છે. વેપારીઓએ સજ્જડ બંધ પાળતા બજારો બંધ રહ્યાં છે.
જન આક્રોશ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઉચ્છ નદીના કિનારે અર્જુન નાથ મહાદેવ મંદિર આવેલ છે. મંદિરના પાછળના ભાગમાં બે વર્ષ દરમિયાન ભારે વરસાદના કારણે માટી ધોવાણ થતાં મંદિરનો અમુક ભાગને નુકશાન થયું હતું. શિવભકતો બે વર્ષથી મંદિરના પાછળના ભાગમાં પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી કરતા હતા. તંત્રને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવા છતાંય શિવભકતોની રજૂઆત સાંભળવામાં તંત્ર નિષ્ફળ જતાં જન આક્રોશ ફેલાતા તંત્રને જગાડવા માટે રામધુન કરવા છતાંય તંત્ર બાયધરી ન આપતા સંખેડા બંધનું એલાન આપ્યું હતું. તેને વેપારીઓએ સમર્થન આપતા સંખેડાના તમામ બજારો બંધ રહ્યા હતા.
ઉગ્ર આંદોલનની ચીમકી
શિવભકતોએ વેપારીઓનો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. જ્યારે સંખેડા બંધ રહેતા ભાજપના નેતાઓની આબરૂના ધજાગરા ઉડ્યા છે. બે વર્ષથી શિવભકતોની રજૂઆત ન સંભાળતા તેઓના રોષનો સામનો કરવો પડ્યો છે. હાલ તો બંધને સફળતા મળતા શિવભકતોના જણાવ્યા મુજબ તંત્ર પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી વહેલી તકે શરૂ નહિ કરે તો હજુ ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

