VIDEO: બોડેલીમાં ચાર દિવસથી પાણી વિના લોકો પરેશાન
બોડેલી નગરપાલિકા વિસ્તારની ચાર સોસાયટીઓમાં ચાર દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા રહીશો પરેશાન થયા છે. વોર્ડ નંબર-3ના કોર્પોરેટરનો એક વૃદ્ધે ઉધડો લીધો. પાણીના ટેન્કર નહીં આવતા જમના સોસાયટી સહિત સોમનાથ સોસાયટી, કુબેરનગર અને જમના પાર્કના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ RCC રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા ખોદકામમાં પાણીની પાઇપલાઇનને નુકસાન થયું હતું. જેના કારણે અનેક મકાનોના નળના કનેક્શન તૂટી જતા પાણીનો પુરવઠો બંધ થયો છે. પાણીના ટેન્કર પણ સમયસર નહીં આવતા સ્થાનિકોએ વોર્ડ નંબર-3ના કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. વોડ નંબર-3માં સ્થાનિકોના રોષ વચ્ચે કોર્પોરેટરે બચાવ કરતા જણાવ્યું કે સોસાયટીઓમાં ટેન્કર મોકલવામાં આવ્યા હતા, પરંતુ જગ્યા ન હોવાથી પાણી પહોંચાડી શકાયું નહોતું. જોકે, નગરપાલિકા વિસ્તારમાં ટેન્કરો ઉપલબ્ધ હોવા છતાં અસરગ્રસ્ત સોસાયટીઓ સુધી પાણી કેમ ન પહોંચ્યું તે સવાલ ઉઠી રહ્યો છે.

